London-Bengaluru Flight: ટાટા ગ્રૂપ સંચાલિત 'એર ઇન્ડિયા' (Air India) ની ફ્લાઇટમાં ફરી એકવાર ગંભીર ટેકનિકલ ક્ષતિ (Technical Glitch) સામે આવતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. 2 February, 2026 ના રોજ લંડનથી બેંગલુરુ આવી રહેલી ફ્લાઇટ AI 132 માં 'ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ' (Fuel Control Switch) માં ખામી સર્જાતા વિમાનને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર બોઇંગ વિમાનોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' ના અહેવાલ મુજબ, આ ઘટના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન (VT-ANX) માં બની હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સના ધ્યાનમાં આવ્યું હતું કે ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. જ્યારે એન્જિન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે બે વખત સ્વીચ 'રન' (Run) મોડમાં લોક થવાને બદલે વારંવાર આપમેળે 'કટઓફ' (Cutoff) મોડમાં આવી જતી હતી.
આ એક અત્યંત ગંભીર પ્રકારની ખામી છે. નિષ્ણાતોના મતે, જો ફ્લાઇટ ઉડાન ભરી લેત અને હવામાં આ સમસ્યા ઉદ્ભવી હોત, તો અચાનક એન્જિન બંધ થઈ જવાનો ભય હતો. આવી સ્થિતિમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સદનસીબે, જમીન પર જ ખામી પકડાઈ જતા મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા એર ઇન્ડિયાએ તુરંત જ વિમાનને ઉડાન ભરતા અટકાવ્યું હતું. એરલાઈન્સે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, "અમારા સતર્ક પાયલોટે સ્વીચમાં સંભવિત ખામી નોંધી હતી. અમે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું છે અને હાલ ઉત્પાદક (OEM) સાથે મળીને તેની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ."
આ બાબતની જાણ તાત્કાલિક ઉડ્ડયન નિયમનકાર 'ડીજીસીએ' (DGCA) ને કરવામાં આવી હતી. DGCA ના કડક નિર્દેશ પર એર ઇન્ડિયાએ પોતાના કાફલાના તમામ બોઇંગ 787 વિમાનોનું તાત્કાલિક ઈન્સ્પેક્શન કર્યું હતું. રાહતની વાત એ છે કે અન્ય કોઈ વિમાનમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી નથી, તેથી અન્ય ફ્લાઈટ્સ રાબેતા મુજબ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આશરે 6 મહિના પહેલા અમદાવાદ-લંડન ફ્લાઇટમાં પણ આજ પ્રકારની ખામીને કારણે મોટી દુર્ઘટના (Crash/Incident) સર્જાતા રહી ગઈ હતી. 'એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો' (AAIB) ના રિપોર્ટ મુજબ, તે સમયે ટેકઓફ પછી તરત જ ફ્યુઅલ સ્વીચ ફેલ થવાને કારણે વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જે અત્યંત જોખમી સ્થિતિ હતી.
તે ભયાનક ઘટનાના કોકપિટ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજાને પૂછતો સંભળાયો હતો કે, "શું તમે સ્વીચ બંધ કરી?" જેના જવાબમાં બીજાએ "ના" કહ્યું હતું. તે સમયે પાયલોટ્સે 10 સેકન્ડ બાદ એન્જિન માંડ માંડ ફરી ચાલુ કર્યા હતા. આ ભૂતકાળને ધ્યાનમાં રાખીને જ એર ઇન્ડિયાએ આ વખતે કોઈ જોખમ લીધું નથી.
