Akash Ambani Update: અઠવાડિયામાં 70 અને 90 કલાક કામ કરવાની ચર્ચા વચ્ચે રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટું નિવેદન સામે આવ્યું છે. આકાશ અંબાણીએ કહ્યું કે તેમના માટે ઓફિસમાં વિતાવેલા કામના કલાકો કરતાં કામની ગુણવત્તા વધુ મહત્વની છે. દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે કામ અને પરિવાર બંને તેમના જીવનમાં સૌથી મોટી પ્રાથમિકતાઓ છે અને વ્યક્તિ માટે જીવનમાં તેની પ્રાથમિકતાઓને જાણવી ખૂબ જ જરૂરી છે.
એક સપ્તાહમાં કાર્યસ્થળ પર કેટલા કલાકો વિતાવ્યા તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આકાશ અંબાણનું આ નિવેદન આવ્યું છે. અહીં 'મુંબઈ ટેક વીક' ઈવેન્ટને સંબોધતા આકાશ અંબાણીએ કહ્યું, 'હું સમય અને કલાકોની માત્રાના સંદર્ભમાં તેના વિશે અલગ જ વિચારું છું. કામના કલાકો નહિ પરંતુ હું કામની ગુણવત્તાને મહત્વ આપું છું.
ભારતીય કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સે તાજેતરના સમયમાં કામના કલાકો અંગે જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા છે. કેટલાકે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની અને કુટુંબ કરતાં કામને પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે, જ્યારે અન્ય લોકોએ તે કલાકોમાંથી મેળવેલા પરિણામોની તરફેણમાં વાત કરી છે. જ્યારે એક વિભાગ સપ્તાહમાં 50 કલાકથી ઓછા કામ કરવાની તરફેણમાં છે. વાસ્તવમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈન્ફોસિસના વડા નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતીયોએ સખત મહેનત કરવી પડશે. આ રીતે દેશને આગળ લઈ જવા માટે આપણે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું પડશે.
અંબાણીએ કહ્યું કે, તેમની કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોરચે માર્ગદર્શન આપવા માટે 1,000 થી વધુ ડેટા વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક ટીમ બનાવી છે.
તેમણે કહ્યું કે, કંપની જામનગરમાં એક ગીગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર પણ બનાવી રહી છે, જે દેશની AI સફરમાં મદદ કરશે. આ ઉપરાંત, કંપની વ્યાપક વાતાવરણના લાભ માટે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ઓફર કરવાનું પણ વિચારી રહી છે.