akhilesh yadav azamgarh visit: સમાજવાદી પાર્ટીના (સપા) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવારે (27 જૂન) આઝમગઢની મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રામ મંદિરમાં દાન અને પ્રસાદ ચોરીના વિવાદથી લઈને 2027 ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીના વિવિધ મુદ્દે ભાજપને ઘેર્યું હતું. તેમણે જનતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે યુપીના લોકોએ ભાજપને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે, અને જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો કદાચ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણીઓ યોજાશે જ નહીં અને લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે. તેમણે ભાજપ પર ધર્મના નામે પૈસા કમાવવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.
ભાજપ માટે ધર્મ કરતા પૈસા વધારે વહાલા
અયોધ્યામાં રામ મંદિર સંબંધિત દાનની કથિત ચોરી વિશે બોલતા અખિલેશે સીધો હુમલો કરતા કહ્યું કે, "અયોધ્યા આપણા સનાતન ધર્મનું આસ્થાનું મોટું કેન્દ્ર છે, અને ત્યાં આવી ચોરીની ઘટનાઓ ખૂબ જ શરમજનક છે. સરકારે તો આ મામલે તપાસ કમિટી પણ બનાવવી પડી છે." તેમણે ટોણો મારતા કહ્યું કે ભાજપ માટે પૈસા પહેલી પ્રાથમિકતા છે અને ધર્મ બીજા નંબરે આવે છે. ભગવાન રામની આસ્થા સાથે રમત રમનારાઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. સીએમ યોગી પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભલે ઘણીવાર અયોધ્યા ગયા હોય, પરંતુ તેમની માહિતી અને સુરક્ષા વ્યવસ્થા ત્યાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે.
લોકશાહી બચાવવા ભાજપને હરાવવું જરૂરી
મુસ્લિમ સમાજના મુદ્દાઓ પર કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદની ચુપકીદી અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું કે તેઓ બરાબર જાણે છે કે ક્યારે અને કયા મુદ્દા પર બોલવું. પણ આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં લોકશાહી બચાવવા માટે ભાજપને હરાવવું ખૂબ જ જરૂરી છે. જો આ લોકો ફરીથી સત્તા પર બેસી ગયા, તો લોકશાહી વ્યવસ્થા માટે મોટો ખતરો ઊભો થઈ જશે.
આ પણ વાંચોઃ સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ઓમ પ્રકાશ રાજભરની સોદાબાજી કરવાની તાકાત પૂરી થઈ ગઈ છે
આઝમગઢમાં યોજાયેલી 'દિશા' બેઠક દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટની (કલેક્ટર) ગેરહાજરી મુદ્દે તેમણે ખાતરી આપી કે જો સપાની સરકાર બનશે, તો બધા જ અધિકારીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. વળી, સમાજવાદી પાર્ટીમાં ભાગલા પડવા અંગે ઓમ પ્રકાશ રાજભરે જે નિવેદનો આપ્યા હતા, તેનો વળતો જવાબ આપતા અખિલેશે કહ્યું કે હવે રાજભરની "સોદાબાજી કરવાની તાકાત" (બાર્ગેનિંગ પાવર) સાવ પૂરી થઈ ગઈ છે, અને એટલે જ તેઓ માત્ર પોતાની મરજી મુજબ ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે.
અયોધ્યાનો વિકાસ અને ઓવૈસી સાથે ગઠબંધન
અયોધ્યાના વિકાસની વાત પર અખિલેશે વિશ્વાસ અપાવ્યો કે જો સપાની સરકાર આવશે, તો અયોધ્યાનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન ભાજપ સરકારે અયોધ્યાની છબી ખરડી છે. સપાની સરકાર અયોધ્યામાં આધુનિક સુવિધાઓ તો લાવશે જ, સાથે સાથે તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો પણ સાચવશે. છેલ્લે, 2027 ની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરવાના સવાલ પર અખિલેશે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને માત્ર એટલું જ કહ્યું કે PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) માં સામેલ પક્ષો સાથે મળીને જ તેઓ ચૂંટણી લડશે.
આ પણ વાંચોઃ રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ
