Allahabad HC alimony ruling: પતિ-પત્નીના વિવાદ અને ભરણપોષણ (Maintenance) ના કાયદાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કોઈ મહિલા આર્થિક રીતે સક્ષમ છે અને પોતાની આવક ધરાવે છે, તો તે કાયદાકીય રીતે પતિ પાસેથી ભરણપોષણની હકદાર નથી. આ કેસમાં નોઈડાની ફેમિલી કોર્ટે પતિને દર મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટે ગેરવાજબી ગણાવીને રદ કરી દીધો છે. આ નિર્ણય પતિઓ માટે મોટી રાહત સમાન છે.
શું હતો કોર્ટનો આદેશ?
પ્રયાગરાજ સ્થિત અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ મદન પાલ સિંહની સિંગલ બેન્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 125(1)(a) નું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે, આ કલમ હેઠળ ભરણપોષણનો અધિકાર એવી મહિલાઓ માટે છે જે ખરેખર નિરાધાર છે. પરંતુ જો પત્ની કમાતી હોય અને પોતાનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ હોય, તો તે પતિ પર બોજ નાખી શકતી નથી. આ તર્ક સાથે કોર્ટે નીચલી અદાલતનો તે આદેશ રદ કર્યો, જેમાં પતિને દર મહિને પત્નીને 5,000 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
પતિએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
આ સમગ્ર મામલો ત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો જ્યારે પતિ અંકિત સાહાએ નોઈડા ફેમિલી કોર્ટના 17 ફેબ્રુઆરી, 2024 ના આદેશ વિરુદ્ધ પુનર્વિચારણા અરજી (Revision Petition) દાખલ કરી. પતિની દલીલ હતી કે તેની પત્નીએ ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં ખોટી માહિતી આપી હતી અને નીચલી અદાલતે તથ્યો તપાસ્યા વિના તેને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રદ થવો જોઈએ.
પત્નીની પોલ ખૂલી: બેરોજગાર હોવાનો દાવો ખોટો નીકળ્યો
સુનાવણી દરમિયાન અરજદાર પતિના વકીલો, શ્રીશ શ્રીવાસ્તવ અને સુજન સિંહે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે પત્નીએ પોતે બેરોજગાર હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. વાસ્તવમાં પત્ની ઉચ્ચ શિક્ષિત છે, તે ગ્રેજ્યુએટ છે અને વેબ ડિઝાઈનિંગનું કામ પણ જાણે છે. એટલું જ નહીં, તે હાલમાં એક પ્રતિષ્ઠિત ટેલિકોમ કંપનીમાં નોકરી કરે છે અને મહિને અંદાજે ₹36,000 નો પગાર મેળવે છે. જ્યારે પત્ની આત્મનિર્ભર છે, તો પછી પતિ પાસે ભરણપોષણ માંગવાનો કોઈ અધિકાર રહેતો નથી.
કાયદો શું કહે છે?
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કાનૂની સ્પષ્ટતા કરી હતી. કોર્ટે નોંધ્યું કે કલમ 125 નો મુખ્ય ઉદ્દેશ્ય એવી મહિલાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે જેઓ પોતાની રીતે જીવન નિર્વાહ કરી શકતી નથી અને આર્થિક રીતે નબળી છે. પરંતુ જે મહિલા પાસે સ્થિર આવક છે, તેને આ કાયદા હેઠળ ભરણપોષણ આપવું વાજબી નથી.