Allahabad University Latest News: અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ્સ વચ્ચે વિવાદ થયા ઈંટ અને પથ્થરમારો થયો હતો. યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જોકે કોઈને ગોળી વાગી નથી. માનવામાં આવી રહ્યું છે કે, હંગામો હજી પણ યથાવત છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ફી વધારાને લઈને પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો મચી ગયો હતો. આંદોલન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ ભુ સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ ભુ સમાધિ લેવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે બળજબરીથી હટાવવાનું શરૂ કર્યું હતું. થોડી જ વારમાં વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ધક્કામુક્કી પણ થઈ હતી. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપવાસ સ્થળની નજીક કબરો ખોદી ભૂ સમાધિ લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે હાજર એવા એક એક વિદ્યાર્થીને ત્યાંથી પકડીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને થોડી જ વારમાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જે ઘણો સમય ચાલ્યું હતું. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.


હોલેન્ડ હોલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો 


આ અગાઉ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના હોલેન્ડ હોલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં નજીવી તકરારમાં વિદ્યાર્થીઓએ એક કેફે સંચાલક પર હુમલો કર્યો હતો. યુનિવર્સિટીના આનંદ ભવન સામે સ્થિત સુતા બાર કાફેના સંચાલકને ડઝનબંધ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. આ બબાલમાં કેફે ઓપરેટરના પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. આ માથાકુટનો આખો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પીડિતાના નાક પાસે ગંભીર ઈજાઓ થઈ હતી. આ કેસમાં પીડિત કેફે ઓપરેટર રજત દુબેની ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.


આરોપી રુદ્ર પ્રતાપ સિંહ રાઠોડ સહિત 28 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સામે IPC કલમ 147, 323, 504, 506, 427, 308, 386 અને 392 હેઠળ FIR નોંધવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આખો વિવાદ સિગારેટ પીવાને લઈને થયો હતો. સુતા બાર કાફેની સામે સિગારેટ પીવાની ના પાડતા મારામારી થઈ હતી. પોલીસ મારપીટ કરનાર વિદ્યાર્થીઓને શોધી રહી છે.