પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. અભિનેતા સોનુ સૂદની બહેન મોગા સીટથી કોંગ્રેસના ઉમેદવાર છે. સોનુ સૂદે તેની બહેન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો.  હવે  મતદાન વચ્ચે સોનુ સૂદે અકાલી દળ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેતાએ કહ્યું, “ઘણા લોકો ખાસ કરીને અકાલી દળના લોકો ડરાવી રહ્યા છે. ઘણા બૂથમાં પૈસાની વહેંચણી થઈ રહી છે. ચૂંટણી થાય ત્યારે પારદર્શક ચૂંટણીઓ થવી જોઈએ. મેં એસએસપી સાહેબને ફરિયાદ કરી છે. અમારી કાર ત્યાં છે, અમે બીજી કાર દ્વારા આવ્યા છીએ.


અહીં સોનુ સૂદની કાર પોલીસે જપ્ત કરી લીધી છે. તેના પર એક બૂથની અંદર જવાનો આરોપ છે. આટલું જ નહીં, મોગાના જિલ્લા પીઆરઓ પ્રભદીપ સિંહનું કહેવું છે કે, “સોનુ સૂદ એક પોલિંગ બૂથની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેની કાર જપ્ત કરવામાં આવી હતી અને તેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જો તેઓ ઘરની બહાર આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.


પંજાબમાં મતદાન પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેઓ કતલગઢ સાહિબ ગુરુદ્વારામાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. સીએમ ચન્નીએ કહ્યું, "તે ભગવાનની ઇચ્છા છે, તે લોકોની ઇચ્છા છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે." પંજાબ વિધાનસભા ચૂંટણી માટે લગભગ 2.14 કરોડ મતદારો 117 સીટો પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીમાં 93 મહિલા ઉમેદવારો સહિત 1304 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, AAP, SAD-BSP ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઈટેડ) અને વિવિધ ખેડૂતોના સંગઠનોની રાજકીય પાંખ સંયુક્ત સમાજ મોરચા વચ્ચે  હરીફાઈ છે.


આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માન, કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પૂર્વ મુખ્યમંત્રીઓ અમરિંદર સિંહ અને પ્રકાશ સિંહ બાદલ, શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ અને ઘણા મોટા નેતાઓની કિસ્મતનો ફેંસલો થવાનો છે.