Pahalgam Terror Attack: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને પોતપોતાના રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓને પાકિસ્તાની નાગરિકોની યાદી કેન્દ્ર સરકારને મોકલવા જણાવ્યું હતું જેથી તેમના વિઝા તાત્કાલિક રદ કરી શકાય અને તેમને ભારતની બહાર મોકલી શકાય.

વિઝા રદ કરવાની પ્રક્રિયા

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવા કહ્યું. સરકારે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાની નાગરિકોના હાલના તમામ વિઝા 27 એપ્રિલ, 2025થી રદ કરવામાં આવશે, જોકે મેડિકલ વિઝા 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનથી પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

સરકારે અનેક કડક નિર્ણયો લીધા

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 25 ભારતીય પ્રવાસીઓ અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું. આ હુમલો 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીર ખીણમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને જવાબદાર ઠેરવ્યો છે અને તેના જવાબમાં અનેક કડક પગલાં લીધાં છે. આમાં 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ ક્રોસિંગ બંધ કરવી, નવી દિલ્હીમાંથી પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને હાંકી કાઢવા અને તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો સમાવેશ થાય છે.

આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને પાકિસ્તાનીઓને શક્ય તેટલી વહેલી તકે પોતપોતાના રાજ્યોમાંથી શોધી કાઢી તેમને હટાવવા કહ્યું છે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.