કોરોના સંકટ વચ્ચે દેશના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થયા છે. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી જીતીની હેટ્રિક લગાવતી જોવા મળે છે. તામિલનાડુમાં કૉંગ્રેસ-ડીએમકે ગઠબંધને બાજી મારી છે.
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ ચૂંટણી પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે બંગાળની જનતાના જનાદેશનું સમ્માન કરે છે. ભાજપને આપેલા સમર્થન માટે જનતાનો આભાર વ્યક્ત કરે છે.અમિત શાહે કહ્યુ કે ભાજપ એક મજબૂત વિપક્ષના રુપમાં બંગાળની જનતાના અધિકારો અને પ્રદેશની પ્રગતિ માટે નિરંતર અવાજ ઉઠાવતી રહેશે. ભાજપ બંગાળના કાર્યકર્તાઓના પરિશ્રમ માટે તેમને અભિનંદન આપુ છું.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ભાજપના તમામ દાવાઓ બાદ રાજ્યમાં જીત નોંધાવી છે. તાજા આંકડાઓ પ્રમાણે ટીએમસી 216 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 75 બેઠકો પર આગળ છે. આ ચૂંટણી બીજેપી માટે એક મોટો ઝટકો છે. બીજેપીએ આ ચૂંટણી જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ખુદ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં પ્રચાર કર્યો હતો, પરંતુ આખરે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણી પરિણામ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ‘‘પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસની જીત માટે મમતા દીદીને શુભેચ્છાઓ કોવિડ19 સામે જીત મેળવવા અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પશ્ચિમ બંગાળ સરકારને કેંદ્ર તરફથી દરેક સહયોગ મળતો રહેશે.’’
પ્રધાનમંત્રીએ આ તકે ભાજપનું સમર્થન કરવા માટે પશ્ચિમ બંગાળના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એક અન્ય ટ્વિટમાં કહ્યું, ‘‘અમારી પાર્ટીને આર્શીવાદ આપવા માટે પશ્ચિમ બંગાળના ભાઈઓ અને બહેનોને ધન્યવાદ આપું છું. પહેલા અમારી હાજરી ન બરાબર હતી અને ત્યાંથી આજે અમારી હાજરી મહત્વપૂર્ણ રીતે વધી છે.’’
પીએમ મોદીએ કેરળમાં મોટી જીત બદલ મુખ્યમંત્રી પિનરઈ વિજયન, તમિલનાડુમાં જીત માટે ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને શુભેચ્છાઓ પાઠવી છે.
પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 292 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ટીએમસીને 200થી વધારે બેઠકો મળતી જોવા મળી રહી છે.