વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. આ યોજના હેઠળ એક સાથે દેશભરના 508 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. આ યોજના માટે સ્ટેશનો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને વિસ્તારના ધારાસભ્યો હાજર રહેશે. રેલવે અધિકારીઓ ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ ભવ્ય કાર્યક્રમનું આ સ્ટેશનો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે રીતે લોકો વડાપ્રધાનના મનની વાત સાંભળે છે, તે જ રીતે સ્ટેશનો પર મોટી સ્ક્રીન લગાવીને લોકો રેલવેની સમગ્ર યોજનાથી વાકેફ થશે.






ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીના જણાવ્યા મુજબ, તે વિશ્વના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત રેલવે નેટવર્કમાંનું એક છે, જે લાખો લોકો માટે પરિવહનનું મહત્વનું સાધન પ્રદાન કરે છે, જે દેશના હજારો શહેરો અને નગરોને જોડે છે. ભારતીય રેલ્વેના આધુનિકીકરણની પ્રક્રિયા છેલ્લા નવ વર્ષથી ચાલી રહી છે. આ અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને પેસેન્જર સુવિધાઓ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વાકાંક્ષી યોજનામાં રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ, નવી રેલ્વે લાઇન પાથરવી, 100 ટકા વિદ્યુતીકરણ અને મુસાફરો અને સંપત્તિની સલામતી વધારવા જેવી પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.


પ્રધાનમંત્રી 508 સ્ટેશનોના નવીનીકરણ કાર્યોના પ્રારંભ સાથે સમગ્ર ભારતમાં 'અમૃત ભારત સ્ટેશન યોજના'નું ઉદ્ઘાટન કરશે, જેમાંથી 71 રેલવે સ્ટેશન ઉત્તર રેલવે ઝોનમાં છે.


આ પ્રોજેક્ટ પાછળ 24470 કરોડનો ખર્ચ થશે


વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુનર્વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે અને તે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વડાપ્રધાન જે રેલ્વે સ્ટેશનો માટે પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે તેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. પંજાબમાં 22, ગુજરાતમાં 21 અને તેલંગાણામાં 21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13 છે.


વિશ્વકક્ષાની સુવિધાઓ આપવી


પીએમઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાધુનિક જાહેર પરિવહન પર વારંવાર ભાર મૂકે છે અને લોકોના પરિવહન માટે રેલવે એ પસંદગીનું માધ્યમ છે. તેમણે રેલવે સ્ટેશનો પર વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના મહત્વને પ્રાથમિકતા આપી છે. આ અભિગમ સાથે 1,309 સ્ટેશનોના પુનર્વિકાસ માટે 'અમૃત ભારત સ્ટેશન યોજના' શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ પીએમ મોદી 508 સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે.