Amritpal Singh Arrest News: વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને ઝડપી પાડવા અમૃતપાલ અને પંજાબ પોલીસ વચ્ચે છેલ્લા 48 કલાકથી પણ વધુ સમયથી સંતાકુકડી ચાલી રહી છે. અમૃતપાલની ધરપકડ થઈ ચુકી હોવાના અહેવાલ બેથી વધુ વાર જાહેર થયા છે પરંતુ તે મિથ્ય સાબિત થયા છે અને હજી પણ અમૃતપાલ પોલીસના સકંજાથી દૂર છે તેમ ખુદ પંજાબ પોલીસે કબુલ્યું છે.



પંજાબ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી,  પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ પોલીસ ઓપરેશન અમૃતપાલ અંગે માહિતી આપી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, હજુ સુધી અમૃતપાલ સિંહ પોલીસના હાથે ઝડપાયો નથી. અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. IGP પંજાબે કહ્યું હતું કે, 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

પોલીસ પીસીના મહત્વના મુદ્દા

આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું હતું કે, પંજાબ પોલીસ સ્પષ્ટપણે કહી રહી છે કે ધરપકડ કરવાની બાકી છે અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. પંજાબના આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે રાજ્યમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે કહ્યું હતું કે, 'વારિસ પંજાબ દે'ના કેટલાક તત્વો સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમની સામે છ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં 114 તત્વોએ શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યાં છે અને તેમની ધરપકડ કરાઈ રહી છે. જેમાંથી પ્રથમ દિવસે 78, બીજા દિવસે 34 અને ગત રાત્રે બેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને દસ હથિયારો મળી આવ્યા છે.

પોલીસે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી જે તથ્યો અને પરિસ્થિતિ સામે આવી છે તે અમને ISI એન્ગલ પર શંકા ઉપજાવે છે. પોલીસે કહ્યું છે કે, અમને ગંભીર શંકા છે કે વિદેશી ભંડોળ હોઈ શકે છે. સુખચૈન સિંહ ગિલે કહ્યું હતું ક, પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, આ ઘટનાક્રમમાં ISI સામેલ છે અને વિદેશી ફંડિંગ પણ છે.

Amritpal Singh: ...તો એક જ ગલી દૂર અમૃતપાલ સિંહ આ રીતે થઈ ગયો ગાયબ, ફિલ્મી કહાની

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. છેલ્લા 24 કલાકથી પણ વધારે સમયથી આકાશ પાતાળ એક કરી રહેલી પંજાબ પોલીસના હાથ હજી ખાલીના ખાલી જ છે. પંજાબ પોલીસનો 100 જેટલી ગાડીઓનો કાફલો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો કાર્યવાહીમાં શામેલ હોવા છતાંયે મુઠ્ઠીભર કાર્યકર્તાઓ સાથે ભાગતો ફરતો અમૃતપાલ આખરે આંખો સામેથી ઓઝલ કવી રીતે થઈ ગયો? આ બાબતને લઈને પોલીસ પર પણ આંગળી ચિંધાઈ રહી છે. ત્યારે હવે પંજાબ પોલીસે આ મામલે ખુલાસો આપવો પડી રહ્યો છે.

પંજબ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગઈ કાલે શનિવારે અમૃતપાલ સિંહના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમૃતપાલને પકડવા માટે એક વિશાળ સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ તે કોઈક રીતે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી છે. પંજાબ પોલીસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અમૃતપાલ સિંહના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે કનેક્શન છે.