નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશે બુધવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના કેટલાક દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવના કારણે મોત થયું છે. ઓક્સિજનના અભાવના કારણે કોરોનાના દર્દીઓના મોત થયાનું પ્રથમવાર કોઇ રાજ્યએ સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે કોઇ મોત થયાની સૂચના મળી નથી.


તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદાખ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, અને પંજાબે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે પંજાબે કહ્યું કે, તેમને ત્યાં ઓક્સિજનના અભાવે  ચાર શંકાસ્પદ મોત થયા છે.


કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે  મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓ રસ્તાઓ અને હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે 20 જુલાઈએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે આરોગ્ય રાજ્યનો વિષય છે.


તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મૃત્યુના અહેવાલ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કેસ અને મૃત્યુની જાણ કરે છે. જો કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્ધારા ખાસ કરીને ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ થયાની કોઇ જાણકારી આપી નથી.


નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતુ કે રાજ્ય સરકારો દ્ધારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે જેમાં કોઇએ પણ કહ્યું નથી કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયું છે. જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું હતું કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત હતી. પરંતુ કોઇ દર્દીનું મોત પાછળ આ કારણ માન્યું નહોતું.