FASTag annual pass 1500: રોજબરોજ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ટોલનો ખર્ચ એક મોટી સમસ્યા બની રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા FASTag ના નિયમોમાં કેટલાક મહત્ત્વના અને રાહતરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે.

Continues below advertisement

આગામી 1 નવેમ્બર, 2026 થી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહન માલિકોને એક વિશેષ 'કન્સેશનલ લોકલ પાસ' આપવામાં આવશે. આ નવા નિયમથી સ્થાનિક લોકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે.

સરકારની જાહેરાત મુજબ, આ પાસની વાર્ષિક ફી ટોલ પ્લાઝાના સ્થાન પર આધારિત રહેશે. જો ટોલ પ્લાઝા કોઈ મ્યુનિસિપલ કે સ્થાનિક શહેરની હદની બહાર આવેલો હશે, તો તેના માટે વાર્ષિક 1,500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. પરંતુ જો તે શહેરની હદની અંદર હશે, તો તેની વાર્ષિક ફી 3,000 રૂપિયા રહેશે.

Continues below advertisement

₹1,500 ના FASTag પાસ સાથે કેટલી ટ્રિપ મળશે?

ઘણા લોકોના મનમાં આ નવા પાસ અંગે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે 1,500 રૂપિયાના પાસમાં કેટલી ટ્રિપ મફત મળશે?

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 1,500 રૂપિયાના આ લોકલ પાસમાં 200 ટ્રિપ જેવી કોઈ નિશ્ચિત મર્યાદા રાખવામાં આવી નથી. આ સામાન્ય FASTag વાર્ષિક પાસ જેવો 200-ટ્રિપ પાસ નથી, પરંતુ સ્થાનિક લોકોની સુવિધા માટે બનાવેલો એક ખાસ કન્સેશનલ લોકલ પાસ છે.

આ પાસ જે તે સંબંધિત ટોલ પ્લાઝા પરથી નિયમિત અને સ્થાનિક મુસાફરી કરવા માટે પૂરા એક વર્ષ સુધી માન્ય રહેશે. જો તમે ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં રહો છો અને રોજ એક જ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો, તો તમારે દર વખતે અલગથી ટોલ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. માત્ર વાર્ષિક ફી ભરીને તમે સરળતાથી મુસાફરી કરી શકશો.

કોને મળશે આ પાસનો લાભ?

આ ખાસ પાસ મેળવવા માટે વાહન માલિકોએ કેટલીક ચોક્કસ શરતો પૂરી કરવી ફરજિયાત છે:

વાહન ખાનગી (Private) હોવું જોઈએ અને તેનું રજિસ્ટ્રેશન બિન-વાણિજ્યિક (Non-Commercial) ઉપયોગ માટે થયેલું હોવું જોઈએ.

વાહન પર માન્ય અને સક્રિય (Active) FASTag લગાવેલો હોવો જોઈએ.

સૌથી મહત્ત્વની શરત એ છે કે, વાહન માલિકનું કાયમી રહેઠાણ સંબંધિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર હોવું જોઈએ.

ફક્ત ટોલ પ્લાઝાની નજીક રહેવાથી આપોઆપ પાસ મળી જશે નહીં; વાહન માલિક અને વાહન બંને નિયમો મુજબ પાત્ર હોવા જોઈએ.

કયા સ્થળો અને સંજોગોમાં પાસ માન્ય નહીં ગણાય?

આ સ્થાનિક પાસનો એક નિયમ એ પણ છે કે તે દરેક ટોલ પ્લાઝા પર માન્ય રહેશે નહીં. તમે જે ચોક્કસ ટોલ પ્લાઝા માટે પાસ કઢાવ્યો હશે, તેનો ઉપયોગ માત્ર તે જ જગ્યાએ કરી શકાશે. દેશના અન્ય કોઈ પણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આ પાસથી મફત મુસાફરી કરી શકાશે નહીં.

ઉપરાંત, જ્યાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે એક્સપ્રેસવે પર 'ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ' અમલમાં હશે, ત્યાં આ સ્થાનિક પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ સાથે જ, જો સ્થાનિક મુસાફરો માટે કોઈ સર્વિસ રોડ કે બીજો વૈકલ્પિક માર્ગ પહેલેથી જ ઉપલબ્ધ હશે, તો પણ તેમને આ વિશેષ પાસનો લાભ આપવામાં આવશે નહીં.