નવી દિહીઃ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કરી દીધું છે. જામિયા વિસ્તાર પાસે એક યુવકે ફાયરિંગ કર્યું હતું જેમા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. હુમલાખોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. સાથે જ પોતાને રામભક્ત બતાવી રહ્યો છે. પોલીસ હુમલાખોરના દાવાની સત્યતા ચકાસી રહી છે. જ્યારે ફાયરિંગમાં ઇજાગ્રસ્તની ઓળખ શાદાબ તરીકે થઇ છે. તે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.
આશ્વર્યની વાત છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા છતાં યુવક ગન લઇને આવ્યો હતો અને ફાયરિંગ કરી દીધું હતું. યુવકે જાહેરમાં પોલીસની સામે જ ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે યુવકે ફાયરિંગ કર્યું પરંતુ પોલીસે કાંઇ કર્યું નથી. પ્રદર્શનકારીઓ તરફ યુવક આગળ વધી રહ્યો હતો આ દરમિયાન પોલીસ ફક્ત જોતી રહી હતી.
જામિયા માર્ચ દરમિયાન ફાયરિંગની ઘટના બાદ દિલ્હીના ત્રણ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. જામા મસ્જિદ, આઇટીઓ અને દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.