રાજસ્થાનના પોખરણમાં એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. હેલિના મિસાઈલે પોતાના બધા માપદંડોને પુરી કરીને સિમુલેટેડ ટેન્કને ઉડાવી દીધી હતી. આ મિસાઈલને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલે ચોક્કસાઈ પૂર્વક પોતાના ટાર્ગેટને ધ્વસ્ત કરી દીધો હતો. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.






એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિના દુનિયાની અત્યાધુનિક એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ છે. આ મિસાઈલમાં ઈંફ્રારેડ ઈમેજિંગ સીકર સિસ્ટમ લગાવામાં આવી છે જેથી મિસાઈલને જે ટાર્ગેટ આપવામાં આવે છે તેની તરફ ગતી કરીને ધ્વસ્ત કરી દે છે. આ મિસાઈલ એટલા માટે પણ મહત્વપુર્ણ છે કે તેને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરથી પણ છોડી શકાય છે. સાથે જ આ મિસાઈલને ફાયર કર્યા બાદ દુશ્મનની ટેંકને ધ્વસ્ત થતાં કોઈ તાકાત રોકી શકતી નથી. 


ભારતમાં બનેલી હેલિના મિસાઈલ 230 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટાર્ગેટ સુધીનો પોતાનો પ્રવાસ પૂર્ણ કરે છે એટલે કે તેની સ્પિડ 828 કિમી પ્રતિ કલાકની હોય છે. આ સ્પિડ એટલી છે કે આંખના પલકારામાં જ દુશ્મનની ટેન્ક સુધી મિસાઈલ પહોંચી જાય છે અને ટેન્કને ધ્વસ્ત કરી દે છે. આ મિસાઈલની રેન્જ 500 મિટરથી લઈને 20 કિલોમીટર સુધીની છે. 


DRDOએ જણાવ્યા મુજબ હેલિના મિસાઈલ ત્રીજી પેઢીની 'ફાયર કરીને ભૂલી જાઓ'ના નિયમ પર કામ કરે છે. સાથે જ આ એવી એન્ટી-ટેન્ક મિસાઈલ સિસ્ટમ છે જેને આધુનિક હેલિકોપ્ટરથી ફાયર કરી શકાય છે. આ મિસાઈલને કોઈપણ સમયે દિવસે કે રાત્રે દુશ્મન ટેન્ક તરફ છોડી શકાય છે. આ મિસાઈલનું વજન 45 કિલો અને ઉંચાઈ 6 ફુટની છે.