Army Chief General Upendra Dwivedi: ભારતીય સેના (Indian Army) એ પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે કે ભારત હવે સરહદ પારના આતંકવાદને જરા પણ સાંખી લેશે નહીં. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે (13 January, 2026) એક પ્રેસ કોન્ફરન્સમાં 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) અંગે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારતીય સેના માત્ર હવાઈ હુમલા સુધી સીમિત નહોતી, પરંતુ જરૂર પડ્યે પાકિસ્તાનમાં ઘૂસીને જમીની હુમલો (Ground Attack) કરવા માટે પણ સંપૂર્ણપણે સજ્જ હતી.

Continues below advertisement

"પરમાણુ ધમકીનો ડર હવે ઈતિહાસ"

જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનની વર્ષો જૂની 'ન્યુક્લિયર બ્લફ'ની રણનીતિને ધ્વસ્ત કરતા કહ્યું કે, ભારતે હવે પોતાની વ્યૂહાત્મક વિચારસરણી બદલી નાખી છે. ઓપરેશન સિંદૂરએ સાબિત કરી દીધું છે કે ભારત આતંકવાદી માળખાને નેસ્તનાબૂદ કરવા માટે દુશ્મનના ઘરમાં ઘૂસીને ઊંડાણપૂર્વક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, "આ ઓપરેશન ત્રણેય સેનાઓ (આર્મી, નેવી, એરફોર્સ) ના અદભૂત સંકલનું પરિણામ હતું."

Continues below advertisement

88 કલાકનું ઓપરેશન અને સેનાનું રૌદ્ર સ્વરૂપ

ઓપરેશન સિંદૂરની વિગતો આપતા આર્મી ચીફે જણાવ્યું કે, 7 May 2025 ના રોજ માત્ર 22 મિનિટની વીજળીક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ 10 May સુધી એટલે કે સતત 88 કલાક સુધી સંકલિત ઓપરેશન ચાલ્યું હતું. તેમણે કહ્યું, "તે 88 કલાકમાં અમે અમારી પરંપરાગત લશ્કરી તાકાતનો વિસ્તાર કર્યો હતો. જો પાકિસ્તાને કોઈ પણ ભૂલ કરી હોત, તો અમે સરહદ પાર જઈને જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) શરૂ કરવા માટે બિલકુલ તૈયાર હતા."

'ઓપરેશન હજુ પૂરું નથી થયું'

સૌથી મહત્વની વાત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે, "ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે." તેમણે ચેતવણી આપી કે ભવિષ્યમાં જો પાકિસ્તાન કોઈ પણ દુ:સાહસ કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે. ઉત્તરીય સરહદો પર હાલ સ્થિતિ સ્થિર છે, પરંતુ સેના સતત ચોકસાઈ રાખી રહી છે.

8 આતંકવાદી કેમ્પ હજુ પણ સક્રિય

PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) માં ધમધમતા આતંકવાદી અડ્ડાઓ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, અમારી ગુપ્તચર માહિતી મુજબ હાલમાં પણ 8 જેટલા ટેરર કેમ્પ સક્રિય છે.

2 કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદ (International Border) ની નજીક છે.

6 કેમ્પ નિયંત્રણ રેખા (LoC) ની સામે છે.

સેનાધ્યક્ષે ખાતરી આપી હતી કે, "અમે આ કેમ્પો પર સતત નજર રાખી રહ્યા છીએ. જો ત્યાંથી કોઈ પણ હિલચાલ થશે, તો અમે અમારા ઈરાદા મુજબ કાર્યવાહી કરવામાં જરા પણ અચકાઈશું નહીં."