Arunachal Pradesh : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચલ પ્રદેશ દેશનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બન્યું છે. અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં એક માત્ર કોરોના દર્દી સાજા થયા બાદ રાજ્ય કોરોના વાયરસથી મુક્ત બન્યું છે. રાજ્યમાં એક પણ નવો કેસ નથી નોંધાયો અને એકમાત્ર એક્ટિવ કેસ પણ સાજો થયો છે. 


એક પણ નવો કેસ નહીં, એક્ટિવ કેસ પણ ઝીરો 
અરુણાચલના રાજ્ય સર્વેલન્સ ઓફિસર લોબસાંગ જામ્પાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19નો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા છે. કોરોના રિકવરી રેટ 99.54 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12.68 લાખથી વધુ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય રસીકરણ અધિકારી ડો. ડિમોંગ પડુંગે જણાવ્યું હતું કે રાજ્યમાં 16,58,536 થી વધુ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.


દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ  અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,270 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,20,723 થઈ ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે, જે બાદ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,035 થઈ ગઈ છે. આ સિવાય રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19નો  રિકવરી રેટ 98.75 ટકા છે.


183 કલોર્ડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં લોકોને કોવિડ-19 રસીના 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 26 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 12-14 વર્ષની વયના બાળકોને 1.20 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2.25 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.