Arvind Kejriwal Statement: આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ મોટી જાહેરાત કરતા શુક્રવારે (24 એપ્રિલ) કહ્યું કે, તેમની સાથે પાર્ટીના અન્ય છ રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે. તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, આ હવે જૂની પાર્ટી રહી નથી. આ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
અરવિંદ કેજરીવાલે પોતાની એક્સ (X) પોસ્ટમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, "बीजेपी ने फिर से पंजाबियों के साथ किया धक्का."
ભાજપમાં કોણ કોણ જોડાશે?
- રાઘવ ચઢ્ઢા
- અશોક મિત્તલ
- સ્વાતિ માલીવાલ
- હરભજન સિંહ
- સંદીપ પાઠક
- વિક્રમજીત સિંહ સાહની
- રાજેન્દ્ર ગુપ્તા
આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો થયો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ ત્રણ સાંસદો એકસાથે ભાજપમાં જોડાશે. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠકનો પણ સમાવેશ થાય છે.
રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદોએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે એ પણ સમજાવ્યું કે તેમને શા માટે પાર્ટી છોડવાની ફરજ પડી હતી. સંદીપ પાઠકે કહ્યું, "મેં ક્યારેય મારી જાતને પ્રથમ રાખી નથી. મેં હંમેશા આમ આદમી પાર્ટીને પ્રથમ રાખી છે. મેં અરવિંદ કેજરીવાલને પ્રથમ રાખ્યા છે. દેશમાં લાખો પાર્ટી કાર્યકરો છે જે આમ આદમી પાર્ટીને મોખરે રાખે છે."
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "અમે નક્કી કર્યું છે કે અમે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ સભ્યો ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં જોડાશું."
AAP પર નિશાન સાધ્યું
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું, "જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી અને પરસેવાથી મોટી કરી અને મારી યુવાનીનાં 15 વર્ષ સમર્પિત કર્યા તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મુખ્ય નૈતિકતાથી ભટકી ગઈ છે. આ પાર્ટી હવે રાષ્ટ્રના હિત માટે નહીં, પરંતુ પોતાના અંગત લાભ માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને લાગ્યું છે કે હું ખોટી પાર્ટીમાં આવી ગયો છું. તેથી આજે હું જાહેરાત કરું છું કે હું AAPથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું."
