નવી દિલ્હી: સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પ્રધાન સચિવ રાજેંદ્ર કુમારને કોમ્પ્યુટરોની ખરીદીમાં 50 કરોડ રૂપિયાના કથિત કોભાંડના મામલે તેમની ધરપકડ કરી છે. આ મામલે રાજેંદ્ર કુમાર સિવાય ચાર અન્ય લોકોમાં સંદીપ કુમાર, દિનેશ કુમાર, તરૂણ શર્મા અને અશોક કુમારની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કૌભાંડમાં રાજેન્દ્ર કુમારને ‘કિંગપિન’ બતાવી રહી છે.

સીબીઆઈનો આરોપ છે કે રાજેંદ્ર કુમારે અલગ અલગ સેકટરોની જવાબદારી સંભાળતા પોતાના નામે બનાવેલી ઘણી નકલી કંપનીઓને ફાયદો કરાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજેંસીની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે 2006માં એડેવર્સ સિસ્ટમ્સ નામની કંપની બનાવવામાં આવી હતી. જે રાજેંદ્ર કુમાર અને અશોક કુમારની ફ્રંટ કંપની છે. દિનેશ કુમાર ગુપ્તા અને સંદીપ કુમાર તેના નિર્દેશક છે. આ કંપની સૉફ્ટવેર અને સૉલ્યુશનની સર્વિસ આપે છે.

2007માં રાજેંદ્ર કુમારે દિલ્હી સરકાર તરફથી હાર્ડવેર અને સૉફ્ટવેરની ખરીદી માટે ICSILની એક પેનલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 2007માં રાજેંદ્ર કુમારને દિલ્હી ટ્રાંસપોર્ટ લિમિટેડના સચિવ બનાવવામાં આવ્યા હતા. આ કંપનીમાં કુલ 50 કરોડ રૂપિયાનો ઘોટાળો છે.

રાજેંદ્ર કુમારની ધરપકડ પર દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, કેંદ્ર સરકાર નીચલા સ્તરે ઉતરી આવી છે. અને દિલ્હી સરકારને બદનામ કરવા માંગે છે. દિલ્હી સરકારમાં કામ કરનાર અધિકારીઓને હટાવવામાં આવી રહ્યા છે. સિસોદિયાએ કહ્યું કે, રાજેંદ્ર કુમારની ધરપકડ સીએમ ઓફિસમાં હડતબ મચાવવા માટે કરવામાં આવી છે.

ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ સીબીઆઈએ મુખ્યમંત્રી કાર્યાલયની નજીક રાજેંદ્ર કુમારની ઓફિસમાં છાપા માર્યા હતા. રાજેંદ્ર કુમારની ઓફિસમાં સીબીઆઈના છાપા પછી આપ સરકાર અને કેંદ્ર સરકારની વચ્ચે ખટાશ જોવા મળી હતી. રાજેંદ્ર કુમાર 1989ની બેંચના આઈએએસ ઓફિસર છે અને અરવિંદ કેજરીવાલે ફરીથી સત્તામાં આવ્યા પછી તેમને મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બનાવવામાં આવ્યા હતા. કેજરીવાલની જેમ રાજેંદ્ર કુમાર પણ આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.