જયપુર: યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી. થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે.
છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી
તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેમને જોધપુર એમ્સમાં દાખલ કર્યા. મેડિકલ ચેકઅપ બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMSમાં દાખલ છે. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી
આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગયા વર્ષે, ગુજરાતની એક અદાલતે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
આસારામે રાજસ્થાન હાઈકોર્ટમાં તબીબી આધાર પર તેમની સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આસારામે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial