ગુવાહાટી: અરૂણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સીમા નજીક શનિવારે ઉગ્રવાદીઓએ અસમ રાઈફલ્સના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા છે. માનવામા આવી રહ્યું છે કે આ હુમલાને પ્રતિબંધિત નેશનલિસ્ટ સોશિલિસ્ટ કાઉંસિલ ઑફ નાગાલેંડ-ખપલાંગ (એનએસસીએન-કે)એ કર્યો છે.


અસમ રાઈફલ્સના પ્રવક્તાએ જણાવ્યું કે સરહદથી 20 કિલોમીટરના અંતરે તીરપ જિલ્લાના નિગ્નૂ ગામમાં આ હુમલો એ વખતે કરવામાં આવ્યો હતો, જ્યારે 16 અસમ રાઈફલ્સના જવાન પાછા ફરી રહ્યા હતા. ભારે હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં એક જેસીઓ (જૂનિયર કમીશન ઑફિસર) સહિત બે જવાન શહીદ થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર છે. આસપાસના વિસ્તારોમાં ઉગ્રવાદીઓની ધરપકડ માટે વધુ સુરક્ષા જવાનો મોકલવામાં આવ્યા છે.

આ ઘટના વિશે પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અમારું માનવું છે કે આ એનએસસીએન-કેના વાર્તા વિરોધી જૂથનું કાવતરું છે. તીરપ જિલ્લામાં આ જૂથનો કાળો કેર છે.’