નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

વાજપેયીના નજીકના મિત્ર લાલ કુષ્ણ અડવાણીને દુખ વ્યક્ત કર્યું હતું. અડવાણીએ કહ્યું, આજે મારી પાસે દુખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. ભારતના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક અટલ બિહારી વાજપેયીને આપણે ગુમાવ્યા છે. તેઓ મારા માટે એક વરિષ્ઠ સાથી કરતા પણ વધારે હતા. તેઓ 65 વર્ષ કરતા પણ વધારે સમય સુધી મારા સૌથી નજીકના મિત્ર રહ્યા.

તેમણે કહ્યું મે તેમની સાથેના પોતાના લાંબા સંબંધોની યાદોને સાચવીને રાખી છે. આરએસએસના પ્રચારક તરીકે અમારા દિવસોથી, બાદમાં ભારતીય જન સંઘની સ્થાપના, આપાતકાલ દરમિયાન સંધષ, બાદમાં જનતા પાર્ટી બનાવવામાં અને બાદમાં 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધી.