માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અતીક અહમદને મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.






બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. હાલમાં શૂટરો અંગેની જાણકારી મળી શકી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આ દરમિયાન આશ્ચર્યની વાત એ હતી કે તમામ હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે સ્થળને કોર્ડન કરી લીધું છે.






અતીક અહમદ 2005ના બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી હતો. અગાઉ, 13 એપ્રિલે ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં અતીકનો પુત્ર અસદ અહમદ માર્યો ગયો હતો, જેની સાથે શૂટર ગુલામ પણ યુપી એસટીએફ દ્ધારા માર્યો ગયો હતો.


મળતી માહિતી મુજબ, આ હુમલો પ્રયાગરાજમાં કોલ્વિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અશરફને લઈ જઈ રહી હતી. દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે. જ્યારે બંને આરોપીઓ પર ફાયરિંગ થયું ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.


24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી


યુપીના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું.