Ayodhya News: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે યુપી એટીએસ એલર્ટ મોડ પર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા ગુરુવારે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અયોધ્યામાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અયોધા જિલ્લામાં ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
ડીજીપી કુમારે એમ પણ કહ્યું કે આ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે "રાજ્ય સરકાર અને પોલીસ હેડક્વાર્ટરની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાનના ભાગ રૂપે યુપી-એટીએસ દ્વારા અયોધ્યા જિલ્લામાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠન સાથે તેમની સંડોવણીની જાણકારી મળી નથી.
ઉત્તર પ્રદેશ સરકારે ડ્રોન દ્વારા દેખરેખ વધારીને શહેરમાં સુરક્ષા સઘન બનાવી છે. રાજ્ય સરકારે સમગ્ર શહેરમાં પ્રવૃતિઓ પર નજર રાખવા માટે નાઈટ વિઝન ડિવાઈસ (NVD) અને CCTV કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
અગાઉ અયોધ્યાના IG પ્રવીણ કુમારે ANIને જણાવ્યું હતું કે, "અમે સુરક્ષા માટે NVD, ઇન્ફ્રારેડ કેમેરા અને CCTV સહિત તમામ પ્રકારની ટેક્નોલોજીને ડ્રોનમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે." અધિક પોલીસ અધિક્ષક, પ્રવિણ રંજન સિંહે અગાઉ જણાવ્યું હતું કે તેઓ શહેરમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે ડ્રોન દ્વારા દેખરેખ રાખી રહ્યા છે.
સિંઘે અગાઉ જણાવ્યું હતું કે, "અમે શહેરમાં કોઈપણ અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી રહ્યા છીએ. અમે ઇમારતો અને મકાનોની છત પર પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે.