Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મંદિર નિર્માણના પહેલા સ્તરનું કામ એટલે કે ચબૂતરા સુધીનું કામ પુર્ણ થઈ ગયું છે. ત્યારે હવે બુધવારે બીજા સ્તરમાં ગર્ભ ગૃહના નિર્માણનું કામ શરુ થશે. આ પ્રસંગે ગર્ભ ગૃહના પ્રથમ પથ્થરને સ્થાપિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, મહામંત્રી ચંપત રાય સહિત લગભગ 250 સાધુ સંત અને રાજકિય હસ્તિઓ આ પ્રસંગે હાજર રહેશે.
2024ની મક્કરસંક્રાંતિએ રામ લલાની સ્થાપનાઃ
આવતીકાલે બુધવારે ગર્ભ ગૃહના નિર્માણ કાર્યની શરુઆત થશે અને પહેલા પથ્થરની સ્થાપના કર્યા બાદ વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધી ગર્ભ ગૃહનું કામ પુર્ણ કરી દેવામાં આવશે. આ સાથે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, 2024ના જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના દિવસે રામ લલાને પોતાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. હાલ રામ મંદિરના નિર્માણ કાર્યમાં ચબૂતરા સુધીનું નિર્માણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
તૈયારીઓ 1989 થી જ શરુ થઈઃ
રામ મંદિર અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો ભલે 9 નવેમ્બર 2019ના રોજ આવ્યો હોય પરંતુ મંદિરનું નિર્માણ થવાની તૈયારીઓ 1989 થી જ શરુ થઈ ગઈ હતી. 1989માં શિલા પૂજન/શિલાન્યાસ સાથે સૌથી પહેલાં રામ ભક્તો પાસેથી ઈંટો માંગવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1990માં અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની કાર્યશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં ગુલાબી પથ્થર લાવવામાં આવ્યા હતા અને તેમની કોતરણી શરુ કરવામાં આવી હતી. કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે પહેલાંના રામ મંદિરના ડિઝાઈન પ્રમાણે મંદિરના નિર્માણનું 60 થી 65 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું હતું. જો કે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ડિઝાઈનમાં બદલાવ કરવામાં આવ્યો હતો. એવામાં હાલ કુલ 40 ટકા પત્થરનું કામ પુર્ણ થઈ ચુક્યું છે.