Baba Siddique Shot Dead in Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોથા આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. ત્રણ શૂટર્સ ઉપરાંત તેમને સૂચના આપનાર શંકાસ્પદની ઓળખ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે ચોથા આરોપીનું નામ મોહમ્મદ જીશાન અખ્તર છે.




મુંબઈ પોલીસ બાબા સિદ્દીકીની હત્યાની વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સોપારી લઈ હત્યા, ધંધાકીય દુશ્મનાવટ અથવા ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ પર મળેલી ધમકીઓના પાસાઓનો પણ સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં બાંદ્રા (વેસ્ટ) સીટનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કરનાર NCP નેતા સિદ્દીકીની હત્યા પૂર્વ આયોજિત કાવતરું હોવાની આશંકા છે.


બાંદ્રાના ખેર નગરમાં બાબા સિદ્દીકીની હત્યા


બાબા સિદ્દીકીને શનિવારે (12 ઓક્ટોબર) રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ લોકોએ ગોળી મારી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે બે કથિત હુમલાખોરોની ધરપકડ કરી છે જેમની ઓળખ હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે.


માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે NCP નેતા સિદ્દીકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવિવારે (13 ઓક્ટોબર) સવારે લગભગ 6 વાગ્યે લીલાવતી હોસ્પિટલથી કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મુંબઈની લીલાવતી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, બાબા સિદ્દીકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલા જ કદાચ મૃત્યુ પામ્યા હતા.


તેમણે જણાવ્યું કે શનિવારે રાત્રે ગોળી વાગ્યા બાદ જ્યારે સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. તેમણે જણાવ્યું કે ડોક્ટરોએ લગભગ બે કલાક સુધી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.


બાબા સિદ્દીકી આ વર્ષે NCPમાં જોડાયા હતા


વિદ્યાર્થીકાળથી કોંગ્રેસના સભ્ય રહેલા બાબા સિદ્દીકી આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીમાં જોડાયા હતા. તેમની પાસે Y શ્રેણીની સુરક્ષા હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી (66) બોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય હતા અને કોવિડ -19 રોગચાળા દરમિયાન, તેમણે પીડિતોને વિવિધ સેવાઓ આપીને ઘણી પ્રશંસા મેળવી હતી.