લંડનઃ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દીધું છે. આ નિર્ણયના કારણે બ્રિટનમાં ભારતના લોકોને હાલ પૂરતો પ્રવેશ આપવામાં નહીં આવે. બ્રિટન જવા માગતા લાખો ભારતીયોને આ નિર્ણયના કારણે ફટકો પડ્યો છે.


આ ઉપરાંત અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે,  ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી અમેકિકન નાગરિકો ભારતની મુલાકાત લેવાનું ટાળે. હોંગકોંગે પણ ભારતીય ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે. સિંગાપોરમાં જતા ભારતીયોએ પણ  ત્રણ સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.  ભારતમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો બ્રિટને કર્યો હતો. આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભારતની પોતાની મુલાકાતને રદ કરી દીધી હતી.


ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક માનવામાં આવી રહી છે જેને પગલે આ દેશો   એલર્ટ થઇ ગયા છે. સીડીસીએ દાવો કર્યો છે કે ભારત જતાં લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ દીધા હોવા છતાં તેમના પર કોરોના વાઇરસનો ખતરો રહેલો છે. તેઓ વાઇરસના અનેક વેરિએંટ્સથી સંક્રમિત થઇ શકે છે.


ભારતથી હોંગકોંગ ગયેલા 49 પ્રવાસીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોંગકોંગે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ હોંગકોંગથી ભારત આવતા મુસાફરોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોંગકોંગમાં જતા લોકોએ ફરજિયાત ત્રણ સપ્તાહ સુધી ખુદને ક્વોરંટિન કરવા પડે છે. જે દરમિયાન તેમનો ટેસ્ટ પણ કરાય છે. સિંગાપોરે પણ હોંગકોંગ અને અન્ય દેશો જેવા જ નિયમો લાગુ કરી દીધા છે.  સિંગાપોરે જણાવ્યું છે કે ભારતથી સિંગાપોર આવતા લોકોએ વધુ સાત દિવસ સુધી ખુદને ક્વોરંટાઈનન કરવા પડશે. હાલ સિંગાપોર જતા લોકોએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરંટિન થવું પડે છે તેમાં હવે સાત દિવસ વધારી દેવામાં આવ્યા છે. એટલે કે ત્રણ સપ્તાહ સુધી ભારતથી જતા લોકોએ ખુદને ક્વોરંટિનમાં રાખવા પડશે.