Bangladesh Hindu attack: ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અને હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, આ મુદ્દે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી કામચલાઉ સરકારે ભારતના દાવાઓને ફગાવી દીધા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે (Bangladesh Foreign Ministry) એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ભારતના નિવેદનો જમીની વાસ્તવિકતાથી વેગળા છે અને દેશની સાંપ્રદાયિક એકતાની છબી ખરડવાનો પ્રયાસ છે.

Continues below advertisement

બાંગ્લાદેશનો ભારતના આરોપો પર પલટવાર

રવિવારે, 28 ડિસેમ્બર, 2025 ના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા કરવામાં આવેલા દાવાઓનો સખત શબ્દોમાં જવાબ આપ્યો હતો. ઢાકાનું કહેવું છે કે, ભારતે જે ચિંતાઓ વ્યક્ત કરી છે તે તથ્યહીન છે અને તે વર્તમાન પરિસ્થિતિ (Ground Reality) નું સાચું પ્રતિબિંબ નથી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, બાંગ્લાદેશમાં વર્ષોથી સાંપ્રદાયિક સૌહાર્દ (Communal Harmony) જળવાયેલું છે અને કોઈપણ એવા દાવાને સ્વીકારવામાં આવશે નહીં જે આ પરંપરાને ખોટી રીતે રજૂ કરતા હોય.

Continues below advertisement

અપરાધિક ઘટનાઓને કોમી રંગ આપવાનો આરોપ

યુનુસ સરકારના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં બનતી છૂટીછવાઈ ગુનાહિત ઘટનાઓને (Isolated Incidents) ખોટી રીતે હિન્દુઓ પરના સંગઠિત અત્યાચાર તરીકે દર્શાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશી તંત્રનું માનવું છે કે, આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે, જેનો ઉદ્દેશ્ય ભારતના લોકોમાં બાંગ્લાદેશ વિરુદ્ધ નફરત (Anti-Bangladesh Sentiment) ભડકાવવાનો છે. સરકારના મતે, સામાન્ય ગુનાઓને ધાર્મિક હિંસાનું નામ આપીને બે દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

તથ્યોને તોડી-મરોડીને રજૂ કરાયાનો દાવો

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય મીડિયા અને સંસ્થાઓ પર આરોપ લગાવ્યો છે કે અમુક જૂથો જાણીજોઈને પસંદગીની ઘટનાઓને વિકૃત કરીને (Distortion of Facts) પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના દુષ્પ્રચારથી ભારતમાં રહેલા બાંગ્લાદેશી રાજદ્વારી મિશન અને સંસ્થાઓની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે.

વિવાદાસ્પદ કેસ અંગે સ્પષ્ટતા

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી, તે અંગે પણ બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા મુજબ:

  • જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે લઘુમતી હોવાના કારણે ટાર્ગેટ નથી થયો, પરંતુ તે પોલીસ ચોપડે ચઢેલો રીઢો ગુનેગાર (Listed Criminal) હતો.
  • તે એક ખંડણી ઉઘરાવવાની ઘટના દરમિયાન માર્યો ગયો હતો.
  • આ ગુનામાં તેનો સાથીદાર એક મુસ્લિમ વ્યક્તિ હતો, જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

આથી, આ ઘટનાને લઘુમતી સમુદાય (Minority Community) પરના હુમલા તરીકે રજૂ કરવી એ માત્ર અસત્ય જ નહીં, પરંતુ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી બાબત છે.