BBC IT Survey Row: આવકવેરા વિભાગે મંગળવારે (14 ફેબ્રુઆરી) દિલ્હી અને મુંબઈ સ્થિત બીબીસીની ઓફિસોમાં કરચોરીના આરોપસર સર્વે હાથ ધર્યો હતો. આઈટીની ટીમ સવારે 11.30 વાગ્યે બંને જગ્યાએ પહોંચી હતી. જેમાં 12-15 જેટલા લોકો સામેલ હતા. બીબીસી ઓફિસમાં આઈટી ટીમના સર્વે દરમિયાન ત્યાં હાજર તમામ કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ કોઈ પણ કામદારને બહાર જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આઈટીની ટીમે એકાઉન્ટ ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટરનો ડેટા ચેક કર્યો હતો. બીબીસી દ્વારા ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોના ઉલ્લંઘન અને તેના નફાના ડાયવર્ઝનની તપાસ કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.


દરોડાની આ કાર્યવાહીને લઈની ખુદ બીબીસી અને બ્રિટિસ સરકારે નિવેદનો જાહેર કર્યા છે. તો એડિટર્સ ગિલ્ટે પણ પોતાનું નિવેદન આપ્યું છે.


બીબીસીની ઓફિસ દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને મુંબઈમાં સાંતાક્રુઝ ખાતે આવેલી છે. સર્વેક્ષણ હેઠળ આવકવેરા વિભાગ માત્ર કંપનીના વ્યવસાયિક સ્થળની તપાસ કરે છે અને તેના પ્રમોટરો અથવા ડિરેક્ટરોના રહેઠાણો અને અન્ય સ્થળો પર દરોડા પાડતું નથી. 


બ્રિટિશ સરકારે શું કહ્યું? 


ભારતના દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસ પર ઈન્કમ ટેક્ષ વિભાગે પાડેલા દરોડાને લઈ બ્રિટિશ સરકારે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. UK સરકારે કહ્યું હતું કે, તેઓ BBCની ઓફિસમાં કરવામાં આવેલા સર્વેના સમાચાર પર નજર રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ બીબીસીએ તેના બપોરની પાળીના કર્મચારીઓને ઓફિસમાં આવવાની મનાઈ ફરમાવી દીધી હતી.


આ સર્વે અંગે બીબીસીએ શું કહ્યું? 


બીબીસીના કિસ્સામાં એવો આક્ષેપ છે કે ઉપરોક્ત નિયમોનું વર્ષોથી સતત પાલન થતું નથી. તેના પરિણામે બીબીસીને ઘણી નોટિસ જારી કરવામાં આવી છે. જો કે, બીબીસી આ નોટિસનું સતત બિન-અનુપાલન કરી રહી છે અને તેના નફાને નોંધપાત્ર રીતે ડાયવર્ટ કરી રહી છે. આ સર્વે અંગે બીબીસી દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. બીબીસીએ તેની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમે સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે, શક્ય તેટલી વહેલી તકે આ સ્થિતિનો ઉકેલ લાવવામાં આવશે.


એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ શું કહ્યું?


એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, EGI BBC ઈન્ડિયાની ઑફિસમાં હાથ ધરવામાં આવેલા IT સર્વને લઈને ખૂબ જ ચિંતિત છે. સત્તા પ્રતિષ્ઠાનોની ટીકા કરતી સમાચાર સંસ્થાઓને ડરાવવા અને હેરાન કરવાના સરકારી એજન્સીઓના સતત વલણથી પરેશાન છે.


BBC પર શું આરોપો છે?


BBC પર આરોપ છે કે, તેણે ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોનું સતત અને જાણી જોઈને ઉલ્લંઘન કર્યું છે, ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમો હેઠળ બિન-પાલન કર્યું છે. તેમજ નફાની નોંધપાત્ર રકમ જાણી જોઈને ડાયવર્ટ કરી હતી. આવકવેરા અધિનિયમની જોગવાઈઓ મુજબ, કર સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહીને સર્વે કહેવામાં આવે છે-સર્ચ કે દરોડા નહીં. આવા સર્વે નિયમિતપણે કરવામાં આવે છે અને તેને દરોડા ગણવામાં આવતા નથી.