Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો સમય આવી ગયો છે. મત ગણતરી પહેલા ભવાનીપુર સહિત અનેક મતદાન મથકો પર ટીએમસી અને ભાજપનાકાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે.
ટીએમસી કાર્યકરોએ વહીવટીતંત્ર પર પક્ષપાતના ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને ગણતરી કેન્દ્રની અંદર પેન અને ફાઇલો લઈ જવાથી અટકાવવામાં આવી રહી છે, જ્યારે ભાજપના એજન્ટોને આમ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોતાને "મમતા બેનર્જીના સૈનિકો" ગણાવતા તેમણે માંગ કરી છે કે ચૂંટણી પ્રક્રિયાના નિયમો બધા માટે સમાન હોય.
ટીએમસીના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, "અમને ફાઇલો કે પેન અંદર લઈ જવાની મંજૂરી નથી પરંતુ ભાજપના ચૂંટણી એજન્ટોને આમ કરવાની મંજૂરી છે. નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. અમે મમતા બેનર્જીના કાર્યકરો છીએ. આનાથી મોટી કોઈ ઓળખ નથી."
આ પણ વાંચોઃ Assembly Election Results 2026: કયા રાજ્યમાં કોની બનશે સરકાર? 5 રાજ્યના ચૂંટણી પરિણામો પર તમામની નજર
ભાજપ એજન્ટે શું કહ્યું?
બીજી તરફ, ભાજપના કાઉન્ટિંગ એજન્ટોએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ટીએમસી પર ઓળખ કાર્ડ વિના હંગામો મચાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનો દાવો છે કે તેના બધા કાર્યકરો માન્ય ઓળખ કાર્ડ સાથે નિયમોનું પાલન કરી રહ્યા છે, જ્યારે ટીએમસી ફક્ત વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
જીતનો વિશ્વાસ ધરાવતા ભાજપના પ્રતિનિધિઓનું કહેવું છે કે તેઓ માત્ર ભવાનીપુરમાં જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે સુરક્ષા દળો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાઈ હતી. જોકે, 21 મેના રોજ ફાલ્ટા નામની એક બેઠક પર ફરીથી મતદાન થશે.
