બેંગલુરુ: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકના દરિયાકાંઠે પહોંચ્યા બાદ બેંગલુરુમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે તોફાન અને કરા સાથે વરસાદના કારણે 133 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી બેંગલુરુમાં ગરમીથી રાહત મળી છે, ત્યારે મોટી સંખ્યામાં વૃક્ષો પડી જવાને કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 133 વર્ષ બાદ જૂન મહિનામાં આટલો વરસાદ નોંધાયો છે. બેંગલુરુમાં રવિવાર મધ્યરાત્રિ સુધી 111 મીમીનો ભારે વરસાદ થયો હતો. જૂનમાં તે અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. બેંગલુરુમાં તોફાન અને વરસાદના કારણે 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. એમજી રોડ સ્ટેશન અને ટ્રિનિટી વચ્ચે નમ્મા મેટ્રો પર્પલ લાઇન ટ્રેકના વાયડક્ટ પર એક ઝાડ ધરાશાયી થવાના કારણે ઇન્દિરાનગર અને એમજી રોડ વચ્ચેનો ટ્રાફિક ખોરવાયો હતો.


નોંધનીય છે કે 16 જૂન, 1891ના રોજ શહેરમાં 101.6 મીમી વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે 3 થી 5 જૂન દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે.


આ સમયગાળા દરમિયાન તાપમાન 20-21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની અપેક્ષા છે.


રાત્રે ભારે વરસાદ થયો હતો.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુ શહેરી જિલ્લામાં રાત્રે 10.30 વાગ્યા સુધી 103.5 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારની મધ્યમાં પોતાની આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે બેંગલુરુ આગામી 48 કલાકમાં સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વિભાગે અનુક્રમે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી હતી. રાત્રે વરસાદ પડતાં હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય કર્ણાટકમાં આગળ વધવાની ધારણા છે, જેમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના મતે  દક્ષિણપશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટકના ભાગો, રાયલસીમા અને આંધ્ર પ્રદેશના બાકીના વિસ્તારો તરફ આગળ વધી ગયું છે. આગામી 3 દિવસમાં ચોમાસું રાયલસીમા અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધશે અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. આ પછી તે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે. ચોમાસું 18 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે, આ સાથે જ દિલ્હીમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થશે.