ભોપાલ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને અટકાવવા ઘણા રાજ્ય અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલમાં જીવલેણ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ભોપાલના 25 વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું હતું.

રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ભોપાલમાં 24 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી આગામી 10 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. જે 3 ઓગસ્ટ સુધી અમલી રહેશે. આ દરમિયાન જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, તે સિવાય તમામ વસ્તુઓ બંધ રહેશે. ભોપાલમાં સંક્રમણના દરને જોતાં રાજ્ય સરકારે આ ફેંસલો લીધો હોવાનું તેમણે કહ્યું હતું.



લોકડાઉન દરમિયાન લોકોની અવર-જવર પર 25 જુલાઈ સવારથી પ્રતિબંધ રહેશે. લોકોએ આવવા-જવા માટે ઈ-પાસ લેવો પડશે. ગૃહ મંત્રીએ લોકોને જરૂરી સામાનનો સંગ્રહ કરીને ઘરમાં મુકી રાખવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વધી રહેલા કોરોના સંક્રમિત કેસને લઈને પહેલેથી જ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ છે. જ્યારે રાતે 8 વાગ્યાથી કર્ફ્યૂ પણ અમલી છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 4867 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં કોરાથી અત્યાર સુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1,330 એક્ટિવ કેસ છે અને 3,138 લોકો ઠીક થઈ ગયા છે.

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,842 પર પહોંચી છે. રાજ્યમાં 770 લોકના મોત થયા છે. 16,836 લોકો સાજા થઈ ગયા છે અને 7,236 એક્ટિવ કેસ છે.