Bihar assembly election result: બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, "આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે."
પ્રધાનમંત્રી મોદીએ તમામ NDA પક્ષોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, "NDA એ રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને જોઈ અમને પ્રચંડ બહુમતી આપી છે. હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા NDA પરિવારના સાથીઓ ચિરાગ પાસવાનજી, જીતન રામ માંઝીજી અને ઉપેન્દ્ર કુશવાહાજીને આ શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું."
પીએમ મોદીના અનુસાર, જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. તેમણે કહ્યું, "હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા અને અમારા વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને જોરદાર જવાબ આપ્યો. હું હૃદયથી તેમની પ્રશંસા કરું છું."
પીએમ મોદીએ બિહારના લોકોને વિવિધ ક્ષેત્રોમાં વધુ પ્રગતિની ખાતરી આપી. તેમણે કહ્યું, "આગામી વર્ષોમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે."
પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, NDA બહુમતી માટે 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીમાં 91 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. JDU 83 બેઠકો, LJP(R) 19, HAM 5 અને RLM 4 બેઠકો જીતવાનો અંદાજ છે.