Bihar election result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરથી NDA કાર્યકરો અને બિહારના લોકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આ શાનદાર જીત, આ અતૂટ વિશ્વાસ, બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા... અમે, NDAના લોકો જનતાના સેવક છીએ."
બિહારમાં કેટલીક પાર્ટીઓએ તુષ્ટિકરણ વાળુ MY Formula બનાવ્યો હતો. પરંતુ આજની જીતે એક નવું 'MY Formula આપ્યો છે: મહિલાઓ અને યુવાનો. આજે, બિહાર એવા રાજ્યોમાંનું એક છે જ્યાં સૌથી વધુ યુવા વસ્તી છે, જેમાં દરેક ધર્મ અને જાતિના યુવાનોનો સમાવેશ થાય છે. તેમની ઇચ્છાશક્તિ, તેમની આકાંક્ષાઓ અને તેમના સપનાઓએ જંગલ રાજના જૂના અને સાંપ્રદાયિક MY Formula ને તોડી નાખ્યો છે. હું આજે બિહારના યુવાનોને ખાસ અભિનંદન આપું છું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજની જીત ફક્ત NDA ની નથી, તે લોકશાહીમાં ભારતના લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓનો વિજય છે. આ ચૂંટણીએ ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાનમાં વધારો એ ચૂંટણી પંચ માટે એક મોટી સિદ્ધિ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એ જ બિહાર છે જ્યાં માઓવાદી આતંક પ્રવર્તતો હતો, જ્યાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યે મતદાન સમાપ્ત થઈ જતુ હતું. પરંતુ આ વખતે લોકોએ કોઈ પણ ભય વિના સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. તમે જાણો છો કે જંગલ રાજ દરમિયાન બિહારમાં શું થતું હતું. મતપેટીઓ ખુલ્લેઆમ લૂંટાઈ જતી હતી. આજે, તે જ બિહારમાં રેકોર્ડ મતદાન નોંધાઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિહાર ચૂંટણી દરમિયાન જ્યારે હું જંગલરાજ વિશે વાત કરતો હતો. કટ્ટા સરકાર વિશે વાત કરતો હતો ત્યારે આરજેડીના લોકો વિરોધ કરતા નહોતા પરંતુ કોંગ્રેસ ખૂબ તકલીફ થતી પરંતુ આજે હું ફરીથી કહું છું કે 'કટ્ટા સરકાર હવે પાછી નહીં આવે'...". બિહાર એ ભૂમિ છે જેણે ભારતને લોકશાહીની માતા હોવાનું ગૌરવ અપાવ્યું છે... બિહારે ફરી એકવાર બતાવ્યું છે કે અસત્યની હાર થાય છે, જનવિશ્વાસ જીતે છે. બિહારે બતાવ્યું છે કે જનતા જામીન પર બહાર રહેલા લોકોની સાથે નહીં ચાલે."
પીએમ મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકસિત બિહાર માટે મતદાન કર્યું છે. બિહારના લોકોએ સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં બિહારના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી અને બિહારના લોકોએ બધા રેકોર્ડ તોડી નાખ્યા. મેં બિહારના લોકોને NDAને પ્રચંડ વિજય અપાવવા વિનંતી કરી અને બિહારના લોકોએ મારા આગ્રહને માન્યો. બિહારે 2010 પછી NDAને તેનો સૌથી મોટો જનાદેશ આપ્યો છે. હું NDAના તમામ પક્ષો વતી બિહારના મહાન લોકોનો નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરું છું.