Bihar Politics:  બિહારમાં આવતીકાલે બજેટ સત્ર દરમિયાન યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા આરજેડી અને જેડીયુ પોતપોતાના ધારાસભ્યોને એક કરવાનો દાવો કરી રહ્યા છે. એક તરફ જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જ્યારે RJDના તમામ 79 ધારાસભ્યો તેજસ્વીના સત્તાવાર આવાસ પર રોકાયા છે, એટલું જ નહીં, કોંગ્રેસના 19 ધારાસભ્યોને પણ હૈદરાબાદથી પરત ફર્યા બાદ તેજસ્વીના ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. 


આરજેડીએ દાવો કર્યો હતો કે ફ્લોર ટેસ્ટ પહેલા  'ખેલા હોગા'. આ દરમિયાન તમામ 45 ધારાસભ્યો જેડીયુ વિધાનસભાની બેઠકમાં પહોંચ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના 4 ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહ બેઠકમાં પહોંચ્યા નથી. એટલું જ નહીં જેડીયુના ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન અને દિલીપ રાયના મોબાઈલ ફોન પણ બંધ છે. આ ચાર ધારાસભ્યો ઉપરાંત ડૉ. સંજીવ પણ બેઠકમાં હાજર નથી રહ્યા, પરંતુ તેઓ પટનાની બહાર છે, તેમણે આ અંગે પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે વાત કરી છે.


નીતિશે ધારાસભ્યોને સ્પષ્ટ સંદેશ આપ્યો
નીતિશે જેડીયુના ધારાસભ્યોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે બેઠકમાં કહ્યું કે આપણે બધાએ ગૃહમાં એકજૂટ રહેવું પડશે. દરેક વ્યક્તિએ સમયસર ગૃહમાં હાજર રહેવાનું રહેશે. ગૃહમાં કોઈપણ પ્રકારની ઉત્તેજના દર્શાવવી જોઈએ નહીં. ગૃહમાં આંકડા આપણી પાસે છે. ગૃહને નિયમો પ્રમાણે ચાલવા દેશું. અમને વિશ્વાસ છે કે અમે વિશ્વાસ મત જીતીશું.


અપક્ષ ધારાસભ્યોબેઠક છોડી બહાર આવ્યા
મળતી માહિતી મુજબ બિહાર સરકારના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ બેઠક છોડીને ચાલ્યા ગયા છે. સભામાંથી બહાર આવીને તેમણે કહ્યું કે અમે એક છીએ. બેઠકમાં ન આવેલા ચારેય ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓ પણ પહોંચી જશે. મીટિંગ હજુ ચાલુ છે, હું અંગત કારણોસર રવાના થયો છું. બીજી તરફ જીતનરામ માંઝીના નેતૃત્વમાં HAM ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે અમે એનડીએ સાથે છીએ. ગૃહમાં તેમના સમર્થનમાં ઊભા રહેશે.


બિહારમાં નંબર ગેમ શું છે
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128નો આંકડો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.