Bihar Political Crisis: બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડ્યા બાદ જનતા દળ (યૂ)ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પહેલું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર JDUને ખતમ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા તેમનું અપમાન કર્યું છે. સીએમ નીતિશે જેડીયુ ધારાસભ્યો સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. બેઠકમાં નીતીશ કુમારે પાર્ટીના ધારાસભ્યોને કહ્યું, ભાજપે હંમેશા અપમાનિત કર્યું છે. જેડીયુને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાની તૈયારી કરી લીધી હતી.
ભાજપ સાથે ગઠબંધન તૂટ્યું
તો બીજી તરફ JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે નીતિશ કુમારના શબ્દો પર મહોર મારી દીધી છે. લલન સિંહે કહ્યું કે ભાજપ 2013થી છેતરપિંડી કરી રહી છે. લલન સિંહે વધુમાં કહ્યું કે 2020થી ભાજપે તેમની પીઠમાં છરો માર્યો છે. તેમણે કહ્યું કે હવે અમે ભાજપ સાથે ગઠબંધન નહીં કરીએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે અને બિહારમાં નવી સરકાર બનાવવાનો દાવો આજે જ રજૂ કરવામાં આવશે.
લલન સિંહ સતત નિવેદનો આપી રહ્યા હતા
મંગળવારે જેડીયુની બેઠક બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં સરકાર બદલાવાની છે. છેલ્લા ઘણા દિવસોથી લાલન સિંહ ભાજપ વિશે નિવેદન આપી રહ્યા હતા. તેમના નિવેદનમાં કડવાશ હતી. બીજેપીએ 30 અને 31 જુલાઈના રોજ બિહારમાં પોતાની પાર્ટીના તમામ સાત મોરચાની બેઠક યોજી હતી ત્યારે તે સમયે પણ લલન સિંહે હુમલો કર્યો હતો. લાલન સિંહે ટોણો મારતા કહ્યું હતું કે દરેક પાર્ટીને તૈયારી કરવાનો અધિકાર છે. અમે 243 બેઠકો માટે પણ તૈયારી કરી રહ્યા છીએ. આ દરમિયાન ભાજપ વિશે એવું પણ કહેવામાં આવ્યું કે તમે (ભાજપ) 200 સીટોની તૈયારી કેમ કરી રહ્યા છો? 243 સીટો પર કરો.
નીતીશ કુમારે રાજ્યપાલને મળવા માંગ્યો સમય
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોઈ મોટું રાજકીય પગલું ભરશે તેવી અટકળો વચ્ચે મંગળવારે અહીં સત્તાધારી જનતા દળ (યુનાઈટેડ) અને વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સમાંતર બેઠકો યોજાઈ રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન એક આને માર્ગ પર યોજાઈ રહી છે.