Bihar politics: બિહારના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ વિપક્ષ RJD એ મોટો ધડાકો કર્યો છે. RJD ના પ્રવક્તાના દાવો છે કે ભાજપ હાઈકમાન્ડ નીતિશ કુમાર પર રાજીનામું આપવા માટે દબાણ કરી રહ્યું છે અને 14 જાન્યુઆરી પછી એટલે કે ખરમાસ પૂર્ણ થયા બાદ બિહારમાં સત્તા પરિવર્તનની મોટી 'રમત' રમાઈ શકે છે.

Continues below advertisement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગત સોમવારે એટલે કે 22 ડિસેમ્બર, 2025 ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ બિહારના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. ખાસ કરીને વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ આ મુલાકાતને લઈને ચોંકાવનારા દાવા કર્યા છે. મંગળવારે, 23 ડિસેમ્બર, 2025 ના રોજ મીડિયા સાથે વાત કરતા RJD ના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ જણાવ્યું હતું કે ભાજપે હવે નીતિશ કુમારને ખુરશી પરથી હટાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો છે.

ખરમાસ પછી બિહારમાં થશે 'ખેલ'? 

Continues below advertisement

મૃત્યુંજય તિવારીએ દાવો કર્યો છે કે દિલ્હીમાં મળેલી આ હાઈપ્રોફાઈલ બેઠકનો મુખ્ય એજન્ડા નીતિશ કુમારનું રાજીનામું હતું. તેમના મતે, ભાજપ નેતૃત્વ હવે બિહારમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ ખતમ કરીને પોતાનો મુખ્યમંત્રી બેસાડવા માંગે છે. RJD નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ રાજકીય રમત ખરમાસ ઉતરી ગયા પછી એટલે કે 14 જાન્યુઆરી બાદ શરૂ થશે. મકરસંક્રાંતિ પર દહીં અને ચૂડા ખાધા બાદ બિહારના રાજકારણમાં મોટો ધડાકો થશે." વિપક્ષનો આરોપ છે કે ભાજપ હવે સાથી પક્ષોને તોડીને એકહથ્થુ શાસન સ્થાપવાની ફિરાકમાં છે.

NDA ની જીત અને નેતૃત્વ પર સવાલ 

નોંધનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ને મળેલી પ્રચંડ જીત બાદ નીતિશ કુમારે ફરી સત્તા સંભાળી છે, પરંતુ માત્ર એક મહિનામાં જ રાજીનામાની વાતો વહેતી થઈ છે. દિલ્હીની આ બેઠકમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) પણ હાજર હતા. વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં NDA ની સરકાર હોવા છતાં બિહારને વિશેષ દરજ્જો કે પેકેજ મળ્યું નથી.

નવા નેતૃત્વ અને વિશેષ પેકેજની માંગ 

બીજી તરફ, નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા બાદ RJD એ કટાક્ષ કરતા કહ્યું કે, જો બિહારના નેતાને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું હોય તો તેનું સ્વાગત છે, પરંતુ તેનાથી બિહારના લોકોને શું ફાયદો થશે તે જોવું રહ્યું. મૃત્યુંજય તિવારીએ સવાલ ઉઠાવ્યો હતો કે નીતિશ કુમાર આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં બિહાર માટે વિશેષ પેકેજ કે પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે 2026 ની શરૂઆત બિહારના રાજકારણમાં કયો નવો વળાંક લાવે છે.