Lok Sabha Election 2024: ભાજપ દ્વારા શનિવારે (2 માર્ચ) ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને બાકીની બેઠકોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમણે કહ્યું, "અમારી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરાયેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું. અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વિકાસનો લાભ ગરીબમાં ગરીબ સુધી પહોંચે."
પીએમ મોદીએ કહ્યું, "મને ખાતરી છે કે ભારતના 140 કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને વિકસિત ભારત બનાવવા માટે અમને વધુ શક્તિ આપશે."
પીએમ મોદીએ કહ્યું કે, "હું વર્ષ 2014માં લોકોના સપનાઓને સાકાર કરવા અને ગરીબને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કાશી ગયો હતો. છેલ્લા દસ વર્ષમાં અમે વિવિધ ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ કર્યા છે અને કાશીને વધુ સારુ કરવાની દિશામાં કામ કર્યું છે. આ પ્રયાસો ભવિષ્યમાં પણ વધુ જોશ સાથે ચાલુ રહેશે. હું કાશીના લોકોનો તેમના આશીર્વાદ માટે વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેને હું ખૂબ જ મહત્વ આપુ છું."
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, આજે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામનું એલાન એક સપ્તાહમાં થશે.