Chandigarh News: ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ પંજાબમાં 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ આદરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘટેલી ઘટનાઓ કંઈક આ દિશા તરફ જ ઈશારો કરે છે. ભાજપે વિરોધ પક્ષની 6 વિકેટ ખેડવી પાર્ટીમાં મોટી જવાબદારી પણ આપી દીધી છે. 


ભાજપે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ, કોંગ્રેસના પૂર્વ નેતા સુનીલ જાખડ અને પાર્ટીના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહને રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેવી જ રીતે ભાજપના ઉત્તરાખંડ એકમના પૂર્વ અધ્યક્ષ મદન કૌશિક, પાર્ટીના છત્તીસગઢ એકમના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુદેવ સાંઈ અને ભાજપના પંજાબ એકમના પૂર્વ અધ્યક્ષ મનોરંજન કાલિયાને રાષ્ટ્રીય કાર્ય સમિતિના વિશેષ આમંત્રિત સભ્યો નિમવામાં આવ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જયવીર શેરગીલને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


એકલા પંજાબમાંથી કમિટીમાં 6ની નિમણૂંક


આ તમામ નિમણૂકોમાં નોંધનીય બાબત એ છે કે, માત્ર પંજાબમાંથી જ આઠથી વધુ નિમણૂંકો કરવામાં આવી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પંજાબમાં અત્યારથી જ સોગઠાબાજીમાં લાગી ગઈ છે. પંજાબમાં આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના ખાતામાં માત્ર 2 બેઠકો આવી હતી. આ સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને પહેલાથી જ ગંભીર બની છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખાતામાં ત્રણ સીટો આવી હતી. અકાલી દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 13 લોકસભા સીટો છે. આ બેઠકો કોઈપણ પક્ષ માટે ખુબ જ મહત્વની છે. માટે જ ભાજપે અત્યારથી જ તેની સંગઠનાત્મક નિમણુંકોમાં પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


કોને-કોને શું શું જવાબદારી અપાઈ? 


કેપ્ટન અમરિંદર સિંહ 


સિંહને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. કેપ્ટન અમરિંદર બે વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થઈને પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં તેઓ ભાજપમાં જોડાયા અને તેમની પાર્ટીમાં વિલય કર્યો હતો.


સુનીલ જાખડ 


ભાજપે સુનીલ જાખડને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય પણ બનાવ્યા છે. પંજાબના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ મે 2022માં ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસની શિસ્ત સમિતિએ જાખડને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ તેમને તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા હતા.


એસ રાણા ગુરમીત સિંહ સોઢી 


એસ રાણા ગુરમીત સિંહ સોઢીને ભાજપની ખાસ આમંત્રિત રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાણા ગુરમીત સિંહ સોઢી ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય શૂટર રહી ચૂક્યા છે. સોઢી અગાઉ કોંગ્રેસમાં હતા અને 2002થી પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગુરુ હર સહાય બેઠકના ધારાસભ્ય છે.


જયવીર શેરગિલ


પંજાબના રહેવાસી જયવીર શેરગિલને ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શેરગીત વ્યવસાયે વકીલ છે અને ભૂતકાળમાં યુથ કોંગ્રેસના નેતાઓમાં એક પરિચિત ચહેરો હતો. 24 ઓગસ્ટના રોજ તેમણે એમ કહી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કે, કોંગ્રેસમાં નિર્ણય લેનારાઓની દ્રષ્ટિ હવે યુવાનોની આકાંક્ષાઓ સાથે અનુરૂપ રહી નથી.


મનોરંજન કાલિયા


કાલિયાને ભાજપ દ્વારા વિશેષ આમંત્રિત રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાલિયા પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નેતા છે. તેઓ અકાલી દળ અને ભાજપની ગઠબંધન સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.


અમનજોત કૌર રામુવાલિયા


રામુવાલિયાને પણ ભાજપ દ્વારા ખાસ આમંત્રિત રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમનજોત કૌરને પંજાબમાં સામાજિક કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. તે પૂર્વ કેન્દ્રીય મંત્રી બળવંત સિંહ રામુવાલિયાની પુત્રી છે. અકાલી દળના નેતા અમનજોત ઓગસ્ટ 2021માં ભાજપમાં જોડાયા હતા.