Security Breach in Lok Sabha: સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી હતી. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. પ્રેક્ષક ગેલેરીમાંથી એક યુવતી અને એક યુવક કૂદ્યા હતા અને દોડ્યા હતા. લોકસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન આ લોકોએ સ્મોક કેન્ડલ સળગાવી ત્યારબાદ આખી લોકસભામાં ધૂમાડો દેખાવા લાગ્યો હતો. જોકે બાદમાં બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી સંસદના બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા હતા. બે આરોપીઓમાંથી યુવકનું નામ અમોલ ધનરાજ શિંદે છે. જ્યારે આરોપી યુવતીનું નામ નિલમ કૌર સિંઘ છે.






ભાજપના સાંસદ આરકે સિંહ પટેલે સંસદની સુરક્ષાનો ભંગ કરનાર બે આરોપીઓમાંથી એક આરોપીને પકડ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ આરકે સિંહ પટેલે કહ્યું હતું કે “જ્યારે અમે બહાર જઈ રહ્યા હતા ત્યારે મેં એક સુરક્ષા કર્મચારીને એક અપરાધી સાથે ઝપાઝપી કરતા જોયો. હું તેની તરફ  ગયો અને આરોપીને ગરદનથી પકડીને નીચે પાડ્યો હતો. ત્યારબાદ અન્ય ઘણા સાંસદો દોડી આવ્યા. દરમિયાન આરોપીઓ તેની પાસે રહેલા સ્મોક કેન્ડલથી અમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો."


કોણ છે સાંસદ આરકે સિંહ પટેલ?


આરકે સિંહ પટેલ ઉત્તર પ્રદેશના બાંદાથી ભાજપના સાંસદ છે. તેઓ વર્ષ 2017માં માણિકપુર મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેઓ અનુક્રમે વર્ષ 1996 અને 2002માં કારવી મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.


અન્ય સાંસદ મલુક નાગરે જણાવ્યું હતું કે, "જ્યાં અમારી સીટો છે તેનાથી થોડે ઉપર એક પ્રેક્ષક ગેલેરી છે જ્યાં આ લોકો બેઠા હતા. આ સમયે ઝીરો અવર ચાલી રહ્યો હતો અને તે સમાપ્ત થવાનો હતો. અચાનક એક જોરદાર અવાજ આવ્યો. આવી સ્થિતિમાં મને લાગ્યું કે કોઈનો પગ લપસ્યો છે અને તેઓ પડી ગયા છે. મેં ઉપર તરફ જોયું તો ઉપરથી કોઈ બીજું કૂદી રહ્યું હતું. ત્યાર બાદ મને સમજાયું કે આ લોકોનો ઈરાદો સારો નથી."


કોણ છે આરોપીઓ?


સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.




22 વર્ષ પહેલા આજના જ દિવસે થયો હતો હુમલો 
તમને જણાવી દઈએ કે 22 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકી હુમલો થયો હતો. આ સમયે પણ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આ સમયે સંસદમાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે.