મોદી સરકારમાં સૌથી એક્ટિવ ગણાતા મંત્રીઓમાં નીતિન ગડકરીનું નામ આવે છે. દેશમાં ઝડપથી રોડ નેટવર્ક બિછાવવા બદલ મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીની તમામ નેતાઓએ પ્રશંસા કરી છે, હવે બીજેપી સાંસદ તાપીર ગાઓએ તેમને 'સ્પાઈડરમેન' કહ્યા છે. તાપીર ગાઓએ લોકસભામાં આ વર્ષ માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય માટે અનુદાનની માંગણી પર ચર્ચા દરમિયાન આ વાત કહી.
બીજેપી સાંસદ તાપીર ગાઓએ રોડ નિર્માણ માટે સરકારના વખાણ કરતા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને 'સ્પાઈડરમેન' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'મેં નીતિન ગડકરીનું નામ સ્પાઈડર મેન રાખ્યું છે, કારણ કે તેમણે જેમ કરોળિયો જાળું બિછાવે છે તેમ રસ્તાઓનું નેટવર્ક બિછાવ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આવ્યા બાદ ચીન સાથેની સરહદ પાસે રોડ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદે પોતાના રાજ્યમાં અનેક રસ્તાઓના નિર્માણનો ઉલ્લેખ કરતા કહ્યું, મોદી હૈ તો મુમકીન હૈ, ગડકરી હૈ તો મુમકીન હૈ. તાપીર ગાઓએ કહ્યું, હું આશા રાખું છું કે સ્પાઈડર મેન જે ગતિએ તે રસ્તાઓ બનાવી રહ્યા છે તેને આગળ વધરતા રહેશે. દેશ અને પૂર્વોત્તર આ રીતે આગળ વધતા રહેશે. તો બીજી તરફ કોંગ્રેસના એમકે વિષ્ણુ પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ સરકારોએ રોડ નિર્માણમાં કરેલા કામને કારણે આજે ભારત રસ્તાના મામલે વિશ્વમાં બીજા નંબરે છે.
તેમણે કહ્યું કે, રસ્તાઓની ગુણવત્તામાં જર્મની નંબર વન છે, પરંતુ ભારત 44મા ક્રમે છે, સરકાર રસ્તાઓની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી નથી. પ્રસાદે કહ્યું, રોડ સેફ્ટી માટે ફાળવવામાં આવેલા બજેટમાંથી માત્ર બે ટકા જ ખર્ચ કરવામાં આવે છે, જ્યારે અમેરિકામાં છ ટકા બજેટ ખર્ચવામાં આવે છે.