TMC MP smoking video: દેશના સર્વોચ્ચ કાયદાકીય ગૃહ એટલે કે સંસદ ભવન (Parliament House) હાલ એક વિવાદને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપનો આરોપ છે કે ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ (Kirti Azad) લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહની અંદર જ ઈ-સિગારેટ (E-cigarette) પીતા ઝડપાયા છે. આ ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે અને સંસદની ગરિમા પર પ્રશ્નો ઉભા થયા છે.
શું છે વાયરલ વીડિયોમાં?
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં કીર્તિ આઝાદ લોકસભામાં બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં તેઓ પોતાનો જમણો હાથ મોઢા પાસે લઈ જાય છે અને લગભગ પાંચ સેકન્ડ સુધી રાખે છે. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે કોઈ સિગારેટ કે ધુમાડો દેખાતો નથી, પરંતુ તેમની બોડી લેંગ્વેજ પરથી ભાજપ દાવો કરી રહ્યું છે કે તેઓ 'વેપિંગ' (Vaping) કરી રહ્યા હતા. અમિત માલવિયાએ લખ્યું કે, "દેશમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે, છતાં કાયદા ઘડનારાઓ જ કાયદા તોડી રહ્યા છે. મમતા બેનર્જીએ તેમના સાંસદના આ વર્તન અંગે ખુલાસો કરવો જોઈએ."
અનુરાગ ઠાકુરની ફરિયાદ અને કનેક્શન
આ વિવાદને બળ ત્યારે મળ્યું જ્યારે થોડા દિવસો પહેલા જ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે (Anurag Thakur) લોકસભામાં સ્પીકર સમક્ષ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, "ગૃહમાં એક સાંસદ ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગેરકાયદેસર છે. શું સ્પીકરે ગૃહમાં ઈ-સિગારેટ પીવાની મંજૂરી આપી છે?" હવે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે અનુરાગ ઠાકુરનો ઈશારો કીર્તિ આઝાદ તરફ જ હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આ કૃત્યને 'લોકશાહીના મંદિરનું અપમાન' ગણાવ્યું છે.
કીર્તિ આઝાદનો વળતો પ્રહાર
પોતાના પર લાગેલા આરોપો બાદ કીર્તિ આઝાદે બચાવ કરતા આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, "હું પણ એવા સેંકડો સાંસદોના નામ આપી શકું છું જેઓ સંસદ પરિસરની અંદર ધૂમ્રપાન કરે છે, પણ હું તે સ્તરે જવા માંગતો નથી." તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "જો હું આરોપ લગાવું કે ભાજપના સાંસદો MPLADS ફંડ માં ૩૦-૪૦% કમિશન ખાય છે, તો તે મારે સાબિત કરવું પડે. કોઈપણ આરોપ લગાવતા પહેલા સ્પીકરને જાણ કરવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ."
TMC નો બચાવ અને દિલ્હી પ્રદૂષણ
બીજી તરફ, ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગત રોયે આઝાદનો બચાવ કરતા કહ્યું કે ગૃહની અંદર ધૂમ્રપાન વર્જિત છે, પણ બહાર કોઈ પીવે તો વાંધો નથી. તેમણે મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવતા કહ્યું કે ભાજપે આવા આરોપો લગાવવાને બદલે દિલ્હીમાં વધી રહેલા ભયજનક પ્રદૂષણ પર ધ્યાન આપવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં પણ સંસદ સંકુલમાં સ્મોકિંગ રૂમ હટાવવાને લઈને મોટો હોબાળો થયો હતો.