કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં કોલકત્તાના ચિતપુરમાં એક ભાજપ કાર્યકર્તાની લાશ લટકતી મળી આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું નામ અર્જુન ચૌરસિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અર્જુનની લાશ કોલકત્તાની કોસીપોર વિસ્તારમાં લટકતી મળી આવી હતી. જોકે, બીજેપી હત્યાનો દાવો કરી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમિત શાહ કોલકત્તામાં છે. જાણકારી અનુસાર, અમિત શાહ આજે બપોરે ભાજપ નેતા ચૌરસિયાના ઘરે જઇને પરિવારજનો સાથે મુલાકાત કરશે.
જાણકારી અનુસાર, લાશ ઉત્તરી કોલકત્તામાં મળી આવી છે. ઉત્તર કોલકત્તાના ભાજપના અધ્યક્ષ કલ્યાણ ચૌબેએ દાવો કર્યો હતો કે ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને સક્રીય કાર્યકર્તાની બોડી આજે સવારે લટકતી મળી હતી. તેમણે કહ્યું કે તે ખૂબ કુશળ હતા. અમે ગઇકાલે રાત્રે જ તેમના નેતૃત્વમાં 200 બાઇક રેલી આયોજીત કરવાની યોજના બનાવી હતી પરંતુ આજે સવારે તેઓ ઘોષ બાગાન રેલ યાર્ડ ખાતે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
વાસ્તવમાં આજે ગૃહમંત્રી અમિત શાહ કોલકત્તાના પ્રવાસ પર જવાના છે. જોકે, પશ્વિમ બંગાળમાં ભાજપ નેતાની હત્યાનો પ્રથમ કેસ નથી. આ અગાઉ નવેમ્બરમાં પૂર્વ મિદનાપુર જિલ્લામાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.