BMC Mayor Reservation Lottery: મુંબઈ મહાનગરપાલિકા (BMC Election 2026) ના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેનાના મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, પરંતુ મેયર પદની રેસમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. આંકડાકીય રીતે ભાજપ મજબૂત હોવા છતાં, એક ખાસ સંજોગોમાં મુંબઈના મેયર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના બની શકે છે. મહારાષ્ટ્રમાં મેયર પદ માટે અનામત (Reservation) લોટરી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ લોટરી સિસ્ટમ જ હવે ઉદ્ધવ જૂથ માટે આશાનું કિરણ બની શકે છે. જો લોટરીમાં મુંબઈના મેયરનું પદ અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી માટે અનામત જાહેર થાય, તો ભાજપ પાસે બહુમતી હોવા છતાં તેઓ મેયર બનાવી શકશે નહીં, કારણ કે તેમની પાસે આ કેટેગરીના વિજેતા ઉમેદવારો નથી.
આ સમગ્ર સમીકરણ પાછળ વોર્ડ નંબર 53 અને 121 મહત્વની ભૂમિકા ભજવે છે. ચૂંટણી પહેલા આ બંને વોર્ડ ST (Scheduled Tribe) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા હતા. તમામ પક્ષોએ અહીં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પરિણામોમાં ઉદ્ધવ ઠાકરે જૂથનો દબદબો રહ્યો છે. વોર્ડ 53 માં ઉદ્ધવ સેનાના જિતેન્દ્ર વલવીએ શિંદે જૂથના અશોક ખાંડવેને હરાવ્યા છે, જ્યારે વોર્ડ 121 માં પ્રિયદર્શિની ઠાકરેએ શિંદે જૂથના પ્રતિમા ખોપડેને માત આપી છે. આમ, જો મેયર પદ ST માટે અનામત આવે, તો માત્ર ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે જ ચૂંટાયેલા ST કોર્પોરેટરો (Corporators) હાજર છે, જે સીધા મેયર પદના દાવેદાર બની જશે. આ સ્થિતિ ભાજપ અને શિંદે જૂથ માટે જીતવા છતાં હાર સમાન બની શકે છે.
બીજી તરફ, BMC ના એકંદર પરિણામો પર નજર કરીએ તો કુલ 227 બેઠકોમાંથી બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. જેમાં ભાજપે 89 અને શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતીને કુલ 118 ના આંકડા સાથે સત્તાનો દાવો મજબૂત કર્યો છે. સામે પક્ષે શિવસેના (UBT) એ 65 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે 24, ઓવૈસીની AIMIM પાર્ટીએ 8, રાજ ઠાકરેની MNS એ 6, અજિત પવારની NCP એ 3, સમાજવાદી પાર્ટીએ 2 અને શરદ પવારની NCP એ 1 બેઠક મેળવી છે. હાલમાં મેયર પદને લઈને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે પણ અંદરખાને ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. શિંદે જૂથે પોતાના 29 નગરસેવકોને હોટલમાં ખસેડ્યા છે, જે દર્શાવે છે કે મુંબઈના મેયરની ખુરશી માટે હજુ ઘણો રાજકીય ડ્રામા બાકી છે.