Vistara Flight Bomb Threat:  દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં શુક્રવારે (31 મે)  બોમ્બની ધમકી મળી હતી, જેમાં 177 મુસાફરો અને એક બાળક સવાર હતા. એરલાઇન્સ અને સુરક્ષા દળોએ આના પર તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફ્લાઈટ નંબર UK-611 લગભગ 12:10 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી.






સૂત્રોએ જણાવ્યું હતું કે, "વિસ્તારાની ફ્લાઈટ UK611 નવી દિલ્હીથી આવી રહી હતી અને ધમકીભર્યા કોલ બાદ, શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.  એર ટ્રાફિક કંટ્રોલ (ATC) શ્રીનગર દ્વારા કોલ પ્રાપ્ત થયો હતો." આવી ધમકીઓ માટે માનક પ્રોટોકોલને અનુસરીને, વિમાનને લેન્ડિંગ પર તરત જ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યું હતું. વિમાનને નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પરિસ્થિતિને પ્રાથમિકતાના આધારે સંભાળવામાં આવી રહી છે.


પ્લેનમાં કોઈ વિસ્ફોટકો મળ્યા નથી


એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "તમામ મુસાફરોને આઇસોલેશન પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. હાલમાં, સંબંધિત અધિકારીઓ દ્વારા તમામ સંબંધિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એરક્રાફ્ટની સંપૂર્ણ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી છે." આ સમય દરમિયાન, પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું, વિમાનનું નિરીક્ષણ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તૈનાત કરવામાં આવી હતી અને સંપૂર્ણ શોધખોળ કર્યા પછી, વિમાનમાંથી કોઈ વિસ્ફોટકો મળી આવ્યા ન હતા.


ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ થયું


સૂત્રોના જણાવ્યા અનુસાર, નકલી કોલ આવ્યા બાદ શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન બે કલાકથી વધુ સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ફ્લાઈટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. સત્તાવાળાઓ બોમ્બની ધમકીના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે અને હવાઈ મુસાફરીની સલામતીની ખાતરી કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે.