BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગણી સાથે પટનાના ગાંધી મેદાનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોર અને કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ઉપરાંત પટના પોલીસે ધરણા સ્થળ ખાલી કરાવી દીધું હતું. અહી જન સૂરાજના સંસ્થાપક અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા હતા. પોલીસની ટીમ પ્રશાંત કિશોરને એમ્બ્યુલન્સમાં એઈમ્સમાં લઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કિશોરને પટનાના ગાંધી મેદાનમાંથી બળજબરીપૂર્વક ઉઠાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમને એમ્બ્યુલન્સમાં એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની આ કાર્યવાહી સોમવારે સવારે 3.30 થી 4 વાગ્યાની વચ્ચે થઈ જ્યારે પીકેને ગાંધી મેદાનમાંથી બળજબરીથી હટાવીને એમ્બ્યુલન્સમાં એઇમ્સ લઈ જવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પટના પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પ્રશાંત કિશોર અને તેમના સમર્થકોને બળજબરીપૂર્વક ધરણા સ્થળ પરથી હટાવતા જોઈ શકાય છે.
અગાઉ, આમરણાંત ઉપવાસ દરમિયાન તેમના સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું, 'એ અમારા નિર્ણયનો વિષય નથી કે અમે તેને (વિરોધ) ચાલુ રાખીશું કે નહીં. અમે જે કરી રહ્યા છીએ તે ચાલુ રાખીશું, તેમાં કોઈ ફેરફાર નહીં થાય... અમે (જન સૂરાજ પાર્ટી) 7મીએ હાઈકોર્ટમાં અરજી કરીશું, હું આટલી જલદી બીમાર પડીશ નહીં.
બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની તાજેતરની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઘણી જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા. આ પછી પણ 4 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, દરમિયાન, જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોર 70મી BPSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધી મેદાનમાં ઉપવાસ પર બેઠા હતા. વહીવટીતંત્રે તેને "ગેરકાયદેસર" ગણાવીને ઉપવાસની જગ્યા બદલવાની અપીલ કરી હતી પરંતુ તેમણે (પ્રશાંત કિશોર) તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કિશોરે કહ્યું, 'મુખ્યમંત્રી નીતીશ કુમારે વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવી જોઈએ, વિદ્યાર્થીઓ જે પણ નિર્ણય લેશે, હું તે જ કરીશ.'
જો કે, BPSC એ 13 ડિસેમ્બરની પરીક્ષામાં હાજર રહેલા કેટલાક પસંદગીના ઉમેદવારો માટે ફરીથી પરીક્ષાનો આદેશ આપ્યો હતો. પ્રશ્નપત્ર લીકના આરોપોને કારણે આ પરીક્ષા વિવાદોમાં ઘેરાયેલી હતી.
આ પછી પટનાના 22 કેન્દ્રો પર શનિવારે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 12,012 ઉમેદવારોમાંથી લગભગ 8,111 ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા હતા. જો કે, 4 જાન્યુઆરી શનિવારના રોજ માત્ર 5,943 વિદ્યાર્થીઓ જ ફરીથી પરીક્ષામાં હાજર રહ્યા હતા.