બલિયાઃ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બલિયાના મનિયર વિસ્તારના મિશ્રૌલી ગામમાં એક દુલ્હને પરણવા આવેલા દુલ્હાને લીલા તોરણે જાન સાથે પાછો કાઢી મુક્યો હોવાની ઘટના ઘટી છે. મિશ્રૌલી ગામમાં એક લગ્ન સમારંભ હતો આ દરમિયાન દુલ્હાએ દારુની હાલતમાં લગ્નમંડપમાં પ્રવેશ કર્યો અને બાદમાં પોતાની મંગેતરની સામે ગુટખાની પડીકી ખાવવા લાગ્યો હતો, આ જોઇને ગુસ્સે ભરાયેલી દુલ્હન યુવતીએ પોતાના લગ્ન રદ્દ કરી દીધા અને લગ્ન કર્યા વિના જ યુવકને જાન સાથે પાછો કાઢી મુક્યો હતો.
મનિયર પોલીસ સ્ટેશન પ્રભારી શૈલેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મિશ્રૌલી ગામ નિવાસી પ્રિયંકા રાજભરના લગ્ન ખેજૂરી વિસ્તારના ખેજૂરી ગામ નિવાસી સંદીપ રાજભર સાથે નક્કી થયા હતા. લગ્ન કાર્યક્રમ પાંચ જૂનનો હતો, અને નક્કી સમય-તિથીએ જાન મિશ્રૌલી ગામ પહોંચી હતી. સ્ટેશન પ્રભારીએ કહ્યું કે, લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી, કે દુલ્હનને ખબર પડી કે તેનો મંગેતર દારુ પીને નશો કરીને આવ્યો છે, અને એટલુ જ નહીં લગ્ન મંડપમાં ગુટખાની પડીકી ખાઇ રહ્યો છે, આ કારણથી પ્રિયંકાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી, અને જાન દુલ્હનને લીધા વિના જ પાછી ગઇ હતી.
ગયા મહિને પણ ઘટી હતી આવી વિચિત્ર ઘટના
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ એક વિચિત્ર ઘટના કાનપુરમાં ઘટી, અહીં રહસ્યમય રીતે દુલ્હો લગ્ન સ્થળ પરથી ગાયબ થઇ જતા, દુલ્હને જાનમાં આવેલા એક જાનૈયા સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટના મહારાજપુર વિસ્તારમાં ઘટી હતી. રિપોર્ટ પ્રમાણે, જયમાલાનો વિધિ થઇ ચૂકી હતી, અને બન્ને પરિવારો લગ્નના મુખ્ય સમારોહની તૈયારીઓ કરી રહ્યાં હતા, ત્યારે દુલ્હો અચાનક ગાયબ થઇ ગયો. બન્ને પરિવારોએ દુલ્હાની તપાસ શરૂ કરી અને ઘટનાક્રમમાં આવેલા મૉડથી દુલ્હન ગભરાઇ ગઇ.
થોડીક વાર બાદ તપાસ કર્યા બાદ દુલ્હનના પરિવારના સભ્યોને ખબર પડી કે દુ્લ્હો આમ જ ગાયબ નથી થયો, પરંતુ જાણીજોઇને ભાગી ગયો હતો, અને આનુ કારણ તેને સારી રીતે ખબર હતી. દુલ્હનના પરિવારને જોઇને, દુલ્હાના તરફથી એક મહેમાને સલાહ આપી કે લગ્ન જાનમાં આવેલા કોઇ બીજા યોગ્ય છોકરા સાથે કરી દેવા જોઇએ. દુલ્હનના પરિવારે લગ્નમાં આવેલા છોકરાઓમાંથી એકને પસંદ કર્યો, અને સંબંધિત પરિવારોએ વાતચીત કર્યા બાદ ગઠબંધનની વિધિ પુરી કરવા માટે સહમતી દર્શાવી. બાદમાં લગ્ન તે જ સમારોહ સ્થળ પર સંપન્ન થયા હતા.