Weather News: દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. રાજસ્થાનમાં પણ આકરી ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બિકાનેરથી જે તસવીર સામે આવી છે તે આશ્ચર્યજનક છે.
અમર ઉજાલાના અહેવાલ મુજબ, બીકાનેરમાં BSF સૈનિકો આકરી ગરમી વચ્ચે પણ દેશની સુરક્ષા માટે પાકિસ્તાન બોર્ડર પર તૈનાત છે. અહીં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે. અહીં તૈનાત સૈનિકો ગરમ રેતી પર પાપડ શેકતા જોવા મળ્યા હતા. રેતી પર પાપડ શેકતા સૈનિકનો વીડિયો સામે આવ્યો છે.
આ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર, હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને અત્યંત કાળજી રાખવાની સલાહ આપી હતી. હિમાચલ પ્રદેશની નીચી પહાડીઓ પર સ્થિત શહેરો પણ આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું, જેનાથી દૈનિક જીવન પ્રભાવિત થયું હતું અને ઘણા લોકોએ બપોરે ઘરની અંદર રહેવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ લોકો ભારે ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે.
મંગળવારે હરિયાણાના સિરસામાં તાપમાનનો પારો 47.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો અને તે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. દિલ્હીમાં પાછલા દિવસોની સરખામણીમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરો અને ઓફિસોમાં એર કંડિશનરનો ઉપયોગ વધવાને કારણે મંગળવારે બપોરે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ વીજ માંગ 7,717 મેગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી.