CAA Rules: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સાથે કાયદો સમગ્ર દેશમાં લાગુ થઇ ગયો છે. આ સાથે, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા પાડોશી દેશોના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લઈ શકશે. એક જાણકારી અનુસાર CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે અને સમિતિ જ નક્કી કરશે કે અરજદારને નાગરિકતા આપવી કે નહીં.
એવું કહેવામાં આવી રહ્યું છે કે CAA લાગુ થયા બાદ હવે દરેક જિલ્લામાં એમ્પાવર્ડ કમિટી કામ કરશે. જેમાં કેટલાક નિષ્ણાત સભ્યો હશે અને નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ આ સભ્યો સમક્ષ હાજર થવું પડશે. સરકાર દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સ્તરે પણ સમિતિની રચના કરવામાં આવશે
રાજ્ય સ્તરે ડાયરેક્ટ સેન્સસ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી સેક્રેટરી સ્તરના અધિકારીઓ, FRROના અધિકારીઓ, રાજ્ય માહિતી અધિકારી, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ પણ હશે.
એમ્પાવર્ડ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે
જિલ્લા સ્તરે એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે જે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. અરજદારોની ચકાસણી જિલ્લા સ્તરે કરવામાં આવશે અને તેઓએ ભારતીયતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે ચોક્કસ ફોર્મ ભરવાનું રહેશે. આ સમિતિ નક્કી કરશે કે અરજદારને ભારતીય નાગરિકતા આપવામાં આવે કે નહીં. આ નોટિફિકેશનમાં સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા સ્તરે આ કમિટી પાસે જ એ નક્કી કરવાનો અધિકાર હશે કે અરજદારોને ભારતીય નાગરિકતા આપવી જોઈએ કે નહીં.
સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતી (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.