Citizenship Amendment Act:  નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ગઈકાલે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા 11 માર્ચે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ પછી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં CAA કાયદો લાગુ થશે નહીં. આ વિસ્તારો ભારતના ઉત્તર-પૂર્વમાં આવે છે. બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ વિશેષ દરજ્જો પ્રાપ્ત વિસ્તારો સહિત પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ કરવામાં આવશે નહીં.






સીએએ અહીં લાગુ થશે નહીં


આ કાયદો સોમવારથી અમલમાં આવ્યો છે. કાયદા અનુસાર, તે ઉત્તર-પૂર્વના તે તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી કરવા માટે 'ઈનર લાઇન પરમિટ' (ILP)ની જરૂર હોય છે. ILP અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં લાગુ છે. અધિકારીઓએ નિયમોને ટાંકીને કહ્યું હતું કે જે આદિવાસી વિસ્તારોમાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી છે તેમને પણ CAAના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત પરિષદો છે.


ભલે સરકારે CAAનું નોટિફિકેશન બહાર પાડ્યું હોય પરંતુ તે હજુ પણ દેશભરમાં લાગુ કરવામાં આવશે નહીં. કાયદા અનુસાર, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં CAAની જોગવાઈઓ લાગુ થશે નહીં કારણ કે તે બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષિત છે. આ સાથે ઇનર લાઇન પરમિટ સિસ્ટમ ધરાવતા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ લાગુ થશે નહીં.


ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આદિવાસી સમૂહોને રક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇનર લાઇન પરમિટ અને બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવામાં આવી હતી.


મણિપુરને અગાઉ ઇનર લાઇન પરમિટમાં સામેલ કરવામાં આવ્યું ન હતું, પરંતુ બાદમાં તેને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઇનર લાઇન પરમિટ એક પ્રકારનો પ્રવાસ દસ્તાવેજ છે, જે અન્ય રાજ્યોના લોકોને મર્યાદિત સમયગાળા માટે આપવામાં આવે છે.


પૂર્વોત્તરમાં થયો હતો વિરોધ


ગત વખતે CAAને લઈને દેશના ઘણા ભાગોમાં ભારે વિરોધ થયો હતો. ખાસ કરીને ઉત્તર-પૂર્વના સાત રાજ્યો તેની વિરુદ્ધ હતા. સીએએની ચર્ચા શરૂ થતાં જ દેશભરમાં વિરોધ થયો હતો, પરંતુ ઉત્તર પૂર્વમાં સૌથી વધુ વિરોધ થયો હતો. કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું અને મોટાપાયે તોડફોડ પણ થઈ હતી.


ઉત્તર-પૂર્વના લોકોનું માનવું છે કે જો બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા મળે છે, તો તેમના રાજ્યના સંસાધનોનું વિભાજન થઈ જશે.