NET 2024ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  રદ થયેલી પરીક્ષાની CBI તપાસ શરૂ થઈ ગઈ છે.  18 જૂને યોજાયેલી UGC NET પરીક્ષા 2024માં ગેરરીતિના સંકેતો મળતા જ કેન્દ્ર સરકારે તેને રદ કરી દીધી અને CBIએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.  


સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે UGC-NET 2024 પરીક્ષા 'કૌભાંડ' ની તપાસ શરૂ કરી છે.  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કર્યાના એક દિવસ પછી આ તપાસ શરુ કરવામાં આવી છે. 






એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “18 જૂને લેવાયેલી UGC NET પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


NEET પેપર લીક અને UGC-NETને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન પણ ચાલુ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ સંબોધી હતી.


કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે સરકાર વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે પારદર્શિતા સાથે સમાધાન નહીં કરીએ. તેમણે કહ્યું કે NEET ના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.


તેમણે કહ્યું કે અમે NEET પરીક્ષાને લઈને બિહાર સરકારના સંપર્કમાં છીએ. અમને પટનાથી કેટલીક માહિતી મળી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે અને તેમના દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. વિશ્વસનીય માહિતી મળ્યા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે NTAની કામગીરી સુધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય સમિતિ એનટીએના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારો કરવા ભલામણ કરશે.